મમતાની TMCના એક ધારાસભ્ય સહિત 12 કોર્પોરેટર સાગમટે ભાજપમાં જોડાયાં

નવી દિલ્હી- પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ના અધ્યક્ષ મમતા બેનરજીને વધુ એક નવો ઝાટકો લાગ્યો છે. સોમવારે નવપારાથી તેમની પાર્ટીના ધારાસભ્ય સુનીલસિંહ 12 કોર્પોરેટરો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયાં છે. રાજધાની નવી દિલ્હીમાં થયેલ એક કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીય ઉપસ્થિત રહ્યાં હતાં, જેમણે આ તમામને પાર્ટીના સભ્ય બનાવ્યાં છે.પત્રકારો સાથેની વાતચીતમાં સુનીલસિંહે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ સબકા સાથ સબકા વિકાસ ઈચ્છે છે. દિલ્હીમાં મોદીજીની સરકાર છે અને અમે ઈચ્છીએ છીએ કે રાજ્યમાં એવી જ સરકાર બને, જેથી પશ્ચિમ બંગાળનો પણ વિકાસ થઈ શકે.

આ પહેલાં મે 2019ના અંતમાં ટીએમસીના બે ધારાસભ્યો સહિત 50 કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં હતાં. ત્યારે વિજયવર્ગીયે એવો દાવો કર્યો હતો કે આગળ પણ વધુ નેતાઓ ભાજપનું કમળ પકડશે. જે રીતે સાત તબક્કામાં મતદાન થયું છે, તેવી જ રીતે છ તબક્કામાં બીજા પક્ષો આવીને ભાજપનો હિસ્સો બનશે.

મમતાને હાલમાં ઝાટકો એવા સમયે લાગ્યો છે કે જ્યારે રાજ્યમાં જૂનિયર ડૉકટરોના વિરોધનો સામનો કરી રહ્યા છે. તેનો પડઘો આખા દેશમાં પડ્યો છે. ભારતભરમાં ડૉકટરોએ ઈમરજન્સી સિવાય હડતાળ પાડી છે. જો કે મમતા આજે ઢીલા પડ્યાં હતાં, અને જૂનિયર ડૉકટરોની તમામ માગણીઓને માની લીધી છે. જો કે હજી તો ડૉકટરોની હડતાળ સમેટાય ત્યાં ટીએમસીના ધારાસભ્ય અને 12 કોર્પોરેટર ભાજપ જોડાયાં છે. એક પછી એક સમસ્યા મમતાને સતાવી રહી છે.