હવે જૂની નોટ બદલવાની પરવાનગી આપવામાં આવે તો અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થશે: SC

નવી દિલ્હી- રદ કરાયેલી રુપિયા 500 અને 1000ની જૂની ચલણી નોટ બદલવા ફરી એક તક મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીનો સુપ્રીમ કોર્ટે અસ્વીકાર કર્યો છે.

અરજી પર સુનાવણી કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, જો હવે લોકોને જૂની નોટ બદલવાની તક આપવામાં આવે તો દેશની અર્થવ્યવસ્થા ઉપર તેની વિપરીત અસર પડશે.

નહીં બદલવામાં આવે જૂની નોટ

ઓવરસીઝ સિટીઝન ઓફ ઈન્ડિયા કાર્ડ ધારક મહિલાની અરજીને રદ્ કરતા કોર્ટે જણાવ્યું કે, બેન્કોને હવે નોટ બદલવા માટે કાઉન્ટર ખોલવા કહી શકાય નહીં.

નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવાની હતી નોટ

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નિયમ અને કાયદા મુજબ લોકોને જૂની નોટ બદલવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ સમય મર્યાદામાં લોકોએ તેની જૂની નોટ બદલાવવાની હતી. જેણે નથી બદલાવી અથવા નથી બદલાવી શક્યા તેની માટે હવે કંઈજ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ પણ આ મામલે હસ્તક્ષેપ કરી શકે નહીં.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટબંધીના નોટિફીકેશનને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક પીઠમાં પહેલેથી જ સુનાવણી ચાલી રહી છે. જેથી સંવૈધાનિક પીઠનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી યોગ્ય ગણાશે. ત્યાદબાદ જ કોઈ નિર્ણય લઈ શકાય. એમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું  છે.

આપને જણાવી દઈએ કે, મહિલાએ પોતાની અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, NRI માટે નોટ બદલવાની સુવિધા માર્ચ-2017માં બંધ કરવામાં આવી હતી. જોકે પહેલા સરકારે જણાવ્યું હતું કે, કેટલીક શરતોને આધીન આ યોજનાને જૂન-2017 સુધી લંબાવવામાં આવશે. પણ તેમ કરવામાં આવ્યું ન હતું.