કોંગ્રેસ છોડી દેનાર નારાયણ રાણે સોમવારે દિલ્હીમાં ભાજપપ્રમુખ અમિત શાહને મળશે

મુંબઈ – કોંગ્રેસની મહારાષ્ટ્રની નેતાગીરીથી નારાજ થઈને એ પાર્ટીમાંથી રાજીનામું આપનાર નારાયણ રાણે આવતીકાલે સોમવારે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહને મળવાના છે.

રાણે ભાજપમાં જોડાશે એવી ઘણા વખતથી ચર્ચા ચાલે છે અને તેઓ સોમવારે અમિત શાહને મળવાના છે એ અહેવાલોથી એ વાત પાકી જણાય છે.

નારાયણ રાણેએ અમિત શાહને મળવા માટે અપોઈન્ટમેન્ટ માગી હતી અને એ તેમને સોમવારની મળી છે.

રાણે સાથે એમનો પુત્ર નિલેશ રાણે પણ અમિત શાહને મળશે. નિલેશે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.

ભાજપની બે દિવસીય કાર્યકારી સમિતિની બેઠક દિલ્હીમાં આજથી શરૂ થઈ છે અને એ બેઠકમાં જ રાણેના ભાજપપ્રવેશને થપ્પો મારી દેવામાં આવે એવી ધારણા છે.

નારાયણ રાણે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ વિસ્તારના વગદાર નેતા છે.

રાણે સિંધુદુર્ગમાં એમના દ્વારા સંચાલિત એક હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે હાજર રહેવાનું અમિત શાહને આમંત્રણ આપે એવી પણ માહિતી છે.