મોટી વાત કહેતી નાની ફિલ્મઃ ‘ચિત્રલેખા’ના આઈટી એડમિનિસ્ટ્રેટર સંજય કાંબળે એવોર્ડથી સમ્માનિત

સુરત – અહીંની સંસ્થા ગુજરાત ઈન્ટરનૅશનલ શૉર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટી દ્વારા આયોજિત ટૂંકી ફિલ્મના મહોત્સવમાં ‘ચિત્રલેખા’ના આઈટી ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાંબળે લિખિત-દિગ્દર્શિત ફિલ્મ ‘વેશભૂષા’ને બેસ્ટ શૉર્ટ ફિલ્મ ફિક્શન એવૉર્ડથી સમ્માનિત કરવામાં આવી છે.

ફિલ્મમાં વાત છે બોલીવૂડમાં પગદંડો જમાવવાના હેતુસર આવેલા સંઘર્ષશીલ યુવા કલાકાર પ્રશાંત (પ્રશાંત રાજપૂત)ની. રાતભર એ એક સોસાયટીમાં ચોકીદારની નોકરી કરે છે ને દિવસે ઍક્ટર બનવાનો સંઘર્ષ. અચાનક પ્રશાંતને ફિલ્મમાં કામ મળે છે, જેમાં એણે સ્ત્રીની ભૂમિકા ભજવવાની છે. ડિરેક્ટરના કહેવાથી સ્ત્રીપાત્રને આત્મસાત્ કરવા એક આખો દિવસ એ સ્ત્રી બનીને રહે છે. કેવો રહે છે એ અનુભવ?

વાત છે સ્ત્રી પ્રત્યેના પુરુષના અભિગમની. આપણે સતત નારીસમ્માનનાં બણગાં ફૂંકતાં રહીએ છીએ, સરસ મજાનાં સૂત્ર બનાવીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈ ઔર છે. દેશમાં દરરોજ માસૂમ બાળાથી લઈને સ્ત્રી પર બળાત્કાર, અત્યાચાર થતા રહે છે. આ બધું ત્યારે બદલાશે, જ્યારે બદલાશે આપણી માનસિકતા. સર્જક સંજયે આવી મોટી સમસ્યાને એમની પંદર મિનિટની ફિલ્મમાં વ્યક્ત કરી છે, જેને વિવિધ ફિલ્મોત્સવમાં સારો આવકાર મળ્યો છે. ટૂંક સમયમાં વેશભૂષા ઈન્ટરનેટના માધ્યમ પર જોવા મળશે.

પારિતોષિક વિતરણ સમારંભ તથા ફિલ્મનાં સ્ક્રીનિંગ ૧૫ જુલાઈએ સુરતની કાપડિયા ક્લબ ઍન્ડ હોટેલમાં યોજવામાં આવ્યો હતો જ્યાં સંજય કાંબળેને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.