રાજ ઠાકરેએ ચૂંટણી પંચને કહ્યું, ‘મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી મતદાનપત્ર વડે જ યોજશો’

નવી દિલ્હી/મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરે ચૂંટણી પંચને કહ્યું છે કે આ વર્ષના અંતભાગમાં નિર્ધારિત મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVMs) વડે નહીં, પણ બેલટ પેપર્સ (મતદાનપત્રો) વડે યોજવી.

ઠાકરે આજે નવી દિલ્હીમાં વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરા તથા પંચના અન્ય ટોચના અધિકારીઓને મળ્યા હતા અને એવી માગણી કરી હતી કે મહારાષ્ટ્ર વિધાનસભાની આગામી ચૂંટણી ઈવીએમથી નહીં, પણ બેલટ પેપર્સથી જ યોજવી જોઈએ.

રાજ ઠાકરેએ તે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. એમણે કહ્યું, ચૂંટણી પંચના અધિકારીઓના પ્રત્યાઘાત પરથી એવું જણાયું છે કે એમને આ ગંભીર મુદ્દો હોવા છતાં એમાં રસ નથી. મને એમની પાસેથી કોઈ અપેક્ષા નથી.

ઠાકરેએ કહ્યું કે ઈવીએમ મશીનોની વિશ્વસનીયતા પર ઘણા સવાલો ઉઠ્યા છે. આ મશીનોમાં અમેરિકામાં બનાવેલી ચિપ્સ હોય છે જે હેકિંગ માટે અતિસંવેદનશીલ છે.

ઠાકરેએ એવો આરોપ પણ મૂક્યો છે કે ગત્ લોકસભા ચૂંટણીમાં 370 મતવિસ્તારોમાં પડેલા મતના આંકડા અને ગણતરી કરાયેલા આંકડામાં વિસંગતિ જોવા મળી હતી. પડેલા મત કરતાં ગણાયેલા મતની સંખ્યા વધારે હતી.

ઠાકરેનું કહેવું છે કે પોતાનો વોટ એની પસંદગીના ઉમેદવારને મળ્યો છે કે નહીં એ જાણવાનો મતદારનો અધિકાર છે અને મતદાનપત્ર એ પારદર્શકતા પૂરી પાડી શકે છે.

ઠાકરેએ કહ્યું કે જો કોઈ મેચ પહેલેથી જ ફિક્સ કરી દેવામાં આવી હોય તો એની તૈયારી કરવાની જરૂર શું? એટલે જ મેં ચૂંટણી પંચને પત્ર આપ્યો છે કે અને માગણી કરી છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં બેલટ પેપર્સનો જ ઉપયોગ થવો જોઈએ.

ઠાકરેએ કહ્યું કે છેલ્લા 20 વર્ષથી ઈવીએમ મશીનો પર શંકાની સોય તાંકવામાં આવી રહી છે. 2014ની સાલ સુધી ભારતીય જનતા પાર્ટી ઈવીએમ મશીનોની વિરુદ્ધમાં હતી અને એના નેતાઓ એની સામે કોર્ટમાં પણ ગયા હતા, પણ 2014માં અચાનક એમણે તેની વિરુદ્ધમાં બોલવાનું બંધ કરી દીધું હતું.

બેલટ પેપરની મતગણતરીથી પરિણામ ઘોષિત કરવામાં મોડું થવાની ચિંતાનો ઉલ્લેખ કરાતાં, ઠાકરેએ વળતી ટકોર કરી હતી કે ભારતમાં ચૂંટણીનો પીરિયડ બે મહિનાનો હોય છે તો પરિણામ જાહેર કરવામાં બે દિવસ મોડું થાય તો શું ફરક પડી જવાનો.

રાજ ઠાકરે સોનિયા ગાંધીને પણ મળ્યા

રાજ ઠાકરે દિલ્હીમાં આજે ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા બાદ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને મળ્યા હતા. આ મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.

ઠાકરે યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધીને એમનાં નિવાસસ્થાન 10 જનપથ ખાતે જઈને મળ્યા હતા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમને બદલે બેલટ પેપર્સનો ઉપયોગ કરવો જોઈએ એ વિશે એમની સાથે ચર્ચા કરી હોવાનું મનાય છે. બંનેએ લગભગ અડધો કલાક સુધી ચર્ચા કરી હતી.

રાજ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે આ પહેલી જ વાર સત્તાવાર મુલાકાત યોજાઈ છે. રાજ આશરે 14 વર્ષ પછી દિલ્હીમાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, રાજ ઠાકરેએ ગત્ લોકસભા ચૂંટણી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો. એ જ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારને પણ મળ્યા હતા.