મુંબઈના અંધેરીમાં સરકારી ESIC હોસ્પિટલમાં ભીષણ આગમાં 6 જણનાં કરૂણ મરણ; અનેક ઘાયલ

મુંબઈ – અહીંના અંધેરી ઉપનગરના પૂર્વ ભાગમાં આવેલા મરોળ-MIDC વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્શ્યૂરન્સ કોર્પોરેશન) કામગાર હોસ્પિટલમાં આજે બપોરે લાગેલી ભીષણ આગમાં છ જણનાં કરૂણ મરણ નિપજ્યા છે. મૃતકોમાં બે મહિનાનાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. બપોરે લગભગ 4.20 લાગેલી આગ સાંજે લગભગ 7.30 વાગ્યે કાબૂમાં લાવી શકાઈ હતી.

આગમાં 147 જણ ઘાયલ થયા છે. જેમાં દર્દીઓ, મુલાકાતીઓનો સમાવેશ થાય છે.

અગ્નિ શામક દળના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્ર સરકાર સંચાલિત પાંચ-માળની હોસ્પિટલના ચોથા માળે સાંજે લગભગ 4.20 વાગ્યે આગ લાગી હતી. આગ ઉપરના માળ પર પ્રસરી હતી અને ધૂમાડો આખી હોસ્પિટલમાં ફરી વળ્યો હતો. પરિણામે દર્દીઓ હોસ્પિટલ ઈમારતની લોબીઓ તથા અગાશી પર ફસાઈ ગયા હતા.

ઓછામાં ઓછા 108 જણને બચાવી લેવામાં આવ્યા છે અને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.

આગ લાગ્યા બાદ તરત જ આખા મકાનમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો. દર્દીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

આગની જાણ કરાતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 10 ફાયર એન્જિન્સ, છ વોટર ટેન્કરો, ત્રણ ટર્ન-ટેબલ સીડીઓ તથા 16 એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને દર્દીઓ તથા ફસાઈ ગયેલા અન્ય લોકોને ઉગારવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

ફાયર બ્રિગેડે આગને લેવલ-4 ગણાવી હતી.

મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યા મુજબ, આગમાંથી બે મૃતદેહ મળ્યા હતા. એમની ઓળખ હજી જાણી શકાઈ નથી.