મુંબઈઃ હીરાના વેપારીની હત્યાના સંબંધમાં ટીવી અભિનેત્રીને પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછપરછ

મુંબઈ – પડોશના રાયગડ જિલ્લાના જંગલમાંથી મુંબઈનિવાસી હીરાના ગુજરાતી વેપારી રાજેશ્વર ઉદાણીનો મૃતદેહ મળ્યા બાદ આ ઘટનાનાં સંબંધમાં મુંબઈ પોલીસે હિન્દી ટીવી સિરિયલોની અભિનેત્રી ડેવોલીના ભટ્ટાચાર્જીને ઘાટકોપરના પંતનગર પોલીસ સ્ટેશને બોલાવીને એની પૂછપરછ કરી હતી.

જોકે આ કેસમાં ડેવોલીનાની કઈ ભૂમિકા રહી છે તે વિશે પોલીસે હજી સત્તાવાર રીતે કંઈ પણ કહ્યું નથી.

હીરાના વેપારી રાજેશ્વર ઉદાણી

57 વર્ષીય ઉદાણી ગઈ 28 નવેમ્બરે એમની ઓફિસમાંથી લાપતા થયા હોવાની એમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજેશ્વર ઉદાણી ઘાટકોપરમાં રહેતા હતા અને હીરા-સોના-ચાંદીના દાગીનાનાં વેપારી હતા. ગઈ 28 નવેમ્બરે ‘અંધેરી જઈ રહ્યો છું’ એમ કહીને એ ઘેરથી નીકળ્યા બાદ ઘેર પાછા ફર્યા નહોતા. એટલે એમના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉદાણીનો મૃતદેહ 4 ડિસેમ્બરે મુંબઈ નજીકના પનવેલ નજીકના જંગલમાંથી મળી આવ્યો હતો. એમની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે.

‘સાથ નિભાના સાથીયા’ સિરિયલમાં ‘ગોપી બહુ’નાં પાત્ર તરીકે જાણીતી અભિનેત્રી ડેવોલીના આસામના ગુવાહાટી શહેરની વતની છે. એણે ટેલિવિઝન પર ‘સવારેં સબકે સપને પ્રીતો’ સિરિયલથી પ્રવેશ કર્યો હતો.

પોલીસે સચીન પવાર નામના એક રાજકીય કાર્યકર્તા અને મુંબઈ પોલીસે સસ્પેન્ડ કરેલા દિનેશ પવાર નામના એક કોન્સ્ટેબલની આ કેસના સંબંધમાં ધરપકડ કરી છે. સચીન પવાર ડેવોલીના સાથે લિન-ઈન પાર્ટનર તરીકે રહેતો હોવાનું કહેવાય છે. સચીન પવાર મહારાષ્ટ્રના હાઉસિંગ પ્રધાન પ્રકાશ મહેતાનો ભૂતપૂર્વ સહયોગી છે.

ડેવોલીનાએ ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે આ હત્યામાં એ કોઈ રીતે સંડોવાયેલી નથી. પોલીસે માત્ર એની તપાસના ભાગરૂપે પોતાની પૂછપરછ કરી હતી.

ડેવોલીનાએ કહ્યું કે પોતે મૃતક ઉદાણીને અંગત રીતે ઓળખતી હતી, પણ છેલ્લા એક મહિનાથી એમને મળી નહોતી. એમના ફોનના કોન્ટેક્ટ લિસ્ટ પરના દરેક જણ વિશે પોલીસ વિગતો મેળવી રહી છે.

ડેવોલીનાએ એનાં ટ્વીટર હેન્ડલ પર શનિવારે રાતે એક ટ્વીટ પણ મૂક્યું હતું જેમાં એણે પોતાનાં વિશે ચિંતા કરનાર લોકોનો આભાર માન્યો છે અને કહ્યું છે કે પોતે સુરક્ષિત છે અને પોતાનાં ઘરમાં જ છે. ચિંતા કરવાનું કોઈ કારણ નથી. આ એક તપાસ હતી, કારણ કે મૃતકને હું ઓળખતી હતી. પોલીસ વિભાગે આ વિશે સત્તાવાર નિવેદન પણ બહાર પાડી દીધું છે. ઓલ ઈઝ વેલ.

પોલીસનું કહેવું છે કે આ કેસમાં હજી તપાસ ચાલુ છે. આ મામલો પૈસાની લેવડદેવડને લગતો છે તેમજ એક મહિલા પણ કારણરૂપ છે.

અહેવાલો અનુસાર, રાજેશ્વર ઉદાણીની બૂરી નજર ડેવોલીના ભટ્ટાચાર્જી પર હતી અને એ ડેવોલીનાને અશ્લીલ મેસેજિસ મોકલતા હતા. ડેવોલીના અને સચીન પવાર લિવ-ઈન રિલેશનશિપમાં હતાં. ડેવોલીનાએ જ્યારે આની જાણ સચીનને કરી ત્યારે સચીન અે દિનેશે ઉદાણીનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. એ માટે એમણે એક છટકું ગોઠવ્યું હતું અને એ માટે એક બાર-બાળાનો ઉપયોગ કર્યો હતો. નવી મુંબઈ પાસે ઉદાણીની કાર લાવારીસ હાલતમાં મળી આવી હતી. કહેવાય છે કે, ઉદાણી 28મીની સાંજે અંધેરીમાંથી પોતાની જ કારમાં જવા નીકળ્યા હતા, પણ નવી મુંબઈ પાસે કોઈક અન્ય કારમાં બેઠા હતા, જેમાં પેલી બાર-બાળા હતી. બાદમાં એ કારને એક સ્થળે આંતરીને ઊભી રખાવ્યા બાદ એમાંથી પેલી બાર-બાળાને નીચે ઉતારી દેવામાં આવી હતી અને આરોપીઓએ ઉદાણીનું ગળું દાબી હત્યા કરી હતી અને બાદમાં એમનો મૃતદેહ પનવેલ પાસેના કોઈક નિર્જન સ્થળે ફેંકી દીધો હતો.

દરમિયાન, મહારાષ્ટ્રના પ્રધાન પ્રકાશ મહેતાએ કહ્યું છે કે સચીન પવાર ભૂતકાળમાં એમનો સહાયક હતો, પણ છેલ્લા કેટલાક વર્ષોથી એમને તેની સાથે કોઈ પ્રકારનો સંબંધ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીએ પણ એને સસ્પેન્ડ કરી દીધો છે. એણે મુંબઈમાં ગઈ વેળાની મહાનગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી.

httpss://twitter.com/Devoleena_23/status/1071517314376392704

httpss://twitter.com/Devoleena_23/status/1071641590714773504