પુત્રને ધવરાવતી માતા સાથેની કારને ટો કરનાર મુંબઈ ટ્રાફિક પોલીસ અધિકારી સસ્પેન્ડ

મુંબઈ – મલાડ (વેસ્ટ)ના સ્વામી વિવેકાનંદ રોડ પર શનિવારે બનેલી એક ઘટનાએ સમગ્ર મુંબઈને હચમચાવી મૂક્યું છે. એ ઘટનામાં એક પોલીસ અધિકારીએ એ કારને ટો કરી હતી જેની અંદર એક મહિલા બેઠી હતી અને એનાં બાળકને ધવરાવી રહી હતી.

મહારાષ્ટ્ર સરકારે શશાંક રાણે નામના એ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે અને કારને ટો કરવાની ઘટનામાં તપાસનો આદેશ આપી દીધો છે.

મહિલા એનાં સાત મહિનાના પુત્રની સાથે કારમાં બેઠી હતી અને એને સ્તનપાન કરાવી રહી હતી તે છતાં પોલીસ અધિકારીએ તે કારને ટો કરી એ ઘટનાને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વખોડી કાઢી છે અને પગલાને ‘સદંતર લાગણીશૂન્ય અને ખતરનાક’ ગણાવ્યું છે.

મહિલા અને એનાં બાળક કારમાં બેઠાં હતાં તે છતાં એને ટો કરાતી હોવાની ઘટનાનો વિડિયો તે મહિલાનાં પતિ તથા અન્ય રાહદારીઓએ પોતાના મોબાઈલ ફોનથી ઉતાર્યો હતો અને તરત પોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યો તો જે તરત જ વાયરલ થઈ ગયો હતો.

જોઈન્ટ પોલીસ કમિશનર (ટ્રાફિક) અમિતેશ કુમારને એક અહેવાલમાં એવું કહેતા ટાંકવામાં આવ્યા છે કે પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે કોન્સ્ટેબલ શશાંક રાણેએ ‘સંપૂર્ણપણે લાગણીહીન’ વર્તન કર્યું હતું જેને કારણે એક મહિલા તથા એનાં બાળકનો જાન જોખમમાં આવી ગયો હતો. રાણેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને બનાવ વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, એ વિડિયોમાં જોઈ શકાય છે કે મહિલા એની સફેદ રંગની કારમાં એનાં સાત મહિનાનાં પુત્રની સાથે બેઠી છે અને એની કારને ટોઈંગ વેન પકડે છે અને ખેંચવાનું શરૂ કરે છે. તે મહિલાએ ટ્રાફિક કોન્સ્ટેબલને વિનંતી કરી હતી. પોલીસ અધિકારીએ પોતાના નામનો બેજ પણ પહેર્યો નહોતો. આસપાસ ભેગા થઈ ગયેલા અનેક લોકોએ પણ ટ્રાફિક અધિકારી રાણેને કહ્યું હતું કે એ કારને ટો કરવાનું બંધ કરે, તે છતાં રાણેએ કારને ટો કરવાનું બંધ કરવાને બદલે પોતાના મોબાઈલ ફોન પર વાત કરવાનું ચાલુ રાખ્યું હતું.

(કારને ટો કરવાની ઘટનાનો વિડિયો)

httpss://twitter.com/GM_MTDC/status/929381532061409280