થાણે શહેરમાં બુધવારે આખો દિવસ પાણી પૂરવઠો બંધ રહેશે

થાણે – મુંબઈની પડોશના થાણે જિલ્લા શહેરમાં 9 મે, બુધવારે આખો દિવસ પાણી પૂરવઠો બંધ રહેશે. પાણીની પાઈપલાઈનનું સમારકામ હાથ ધરાવાનું હોવાથી બુધવારે સવારે 9 વાગ્યાથી લઈને 10 મે ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી પાણીની સપ્લાય બંધ રાખવામાં આવશે.

થાણે મહાનગરપાલિકાએ પાઈપલાઈનના સમારકામ તેમજ ચોમાસા પૂર્વે પંપિંગ સ્ટેશન તથા સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવાનું નક્કી કર્યું હોઈ બુધવારે આખો દિવસ અને ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી પાણી પુરવઠો બંધ રહેશે. મહાપાલિકાએ આ વિશે નાગરિકોને આગોતરી જાણ કરી દીધી છે.

મહાપાલિકાના પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવાયા મુજબ, બુધવારે સવારે 9થી રાતે 9 વાગ્યા સુધી થાણેના ઘોડબંદર રોડ, પાતલીપાડા, પવારનગર, કોઠારી કમ્પાઉન્ડ, આઝાદ નગર, ડોંગરીપાડા, વાઘબીળ વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. બુધવારે રાતે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા સુધી સમતાનગર, ઋતુપાર્ક, સિદ્ધેશ્વર, જેલ, સાકેત, ઉથળસર, રેતીબંદર, મુંબ્રા કોળીવાડા, શૈલેષનગર, સંજય નગર તથા આસપાસના વિસ્તારોમાં પાણીપુરવઠો બંધ રહેશે.