મુંબઈની લોકલ ટ્રેનમાં મવાલી છોકરાનો સામનો કરનાર નેત્રહીન છોકરીનું મેનકા ગાંધી બહુમાન કરશે

મુંબઈ – હાલમાં જ અહીંની એક લોકલ ટ્રેનમાં પોતાની છેડતી કરનાર મવાલી છોકરાનો હિંમતપૂર્વક સામનો કરનાર અને એને પોલીસના હાથમાં પકડાવી દેનાર 15 વર્ષની એક નેત્રહીન છોકરીનું કેન્દ્રીય મહિલાઓ તથા બાળવિકાસ પ્રધાન મેનકા ગાંધી સમ્માન કરશે એવો અહેવાલ છે.

છોકરીનું દાદરસ્થિત તેની શાળાનાં સંચાલકોએ ગઈકાલે સમ્માન કર્યું હતું.

છોકરી માહિમના ધારાવી વિસ્તારની રહેવાસી છે અને દાદરની ‘શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ્સ’ની વિદ્યાર્થિની છે.

છોકરીનાં પિતાએ કહ્યું છે કે એમની દીકરીની હિંમતનાં સમાચાર વહેતા થયા બાદ મેનકા ગાંધી તરફથી એમને ફોન આવ્યો હતો. એમણે દીકરીનાં કેસ વિશેની વિગત માગી હતી જેથી પોતે નવી દિલ્હીમાં છોકરીનું સમ્માન કરી શકે.

સ્કૂલનાં પ્રિન્સીપાલ વર્ષા જાધવે કહ્યું કે, આ બહાદુર છોકરી છઠ્ઠા ધોરણમાં ભણે છે. અમે અમારી શાળાની બીજી 160 છોકરીઓની હાજરીમાં એનું સમ્માન કર્યું હતું. એણે બતાવેલી બહાદુરી બદલ અમે એને એક ટ્રોફી, એક સ્મૃતિ ચિન્હ, એક પ્રશંસાપત્ર તથા રૂ. 35,000ની રોકડ રકમનું ઈનામ આપ્યાં હતાં.

પ્રિન્સિપાલ વર્ષા જાધવે કહ્યું કે, એ છોકરી બહુ જ ખુશ થઈ ગઈ હતી અને કહ્યું કે એની આ હિંમત પોતાનાં જેવી વધુ છોકરીઓ માટે પ્રેરકબળ બની રહેશે. છોકરીનાં સમ્માન સમારંભમાં એનાં માતાપિતા અને સગાંસંબંધીઓ ઉપરાંત દાદર રેલવે પોલીસના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. અમે અમારી શાળાની છોકરીઓને સ્વબચાવની તાલીમ આપીએ છીએ. અમે એમને કરાટે શીખવીએ છીએ જેથી તેઓ કોઈ વિપરીત પરિસ્થિતિઓમાં પોતાનો બચાવ કરી શકે.

આ છોકરીએ મોટી થઈને આઈએએસ અધિકારી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

તે બનાવ ગઈ 17 ડિસેંબરે બન્યો હતો. છોકરી એનાં પિતાની સાથે દાદર સ્ટેશનેથી લોકલ ટ્રેનના વિકલાંગો માટે અનામત રખાયેલા ડબ્બામાં ચડી હતી. ટ્રેન પ્લેટફોર્મ પરથી રવાના થાય એ પહેલાં જ એક છોકરો ડબ્બામાં ચડ્યો હતો અને એણે છોકરીની છેડતી કરી હતી. છોકરી તરત જ એ મવાલીના હાથની આંગળીઓ દબાવીને મચકોડી દીધી હતી જેથી એ છોકરો ઘૂંટણીયે બેસી ગયો હતો. છોકરીએ ત્યારબાદ છોકરાના હાથને પણ મચકોડી દીધો હતો. તરત જ છોકરી અને એનાં પિતાએ બૂમાબૂમ કરતાં અન્ય પ્રવાસીઓ દોડી આવ્યા હતા અને તે પછીના માટુંગા સ્ટેશને પોલીસો આવ્યા ત્યાં સુધી છોકરીએ છોકરાનો મચકોડેલો હાથ છોડ્યો નહોતો. એ છોકરાનું નામ વિશાલ સિંહ છે અને તે 24 વર્ષનો છે.

મવાલી છોકરા પાસે ટિકિટ નહોતી અને તે વિકલાંગો માટેનાં ડબ્બામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યો હતો.