હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતું મળવાથી શિવસેના મોદી સરકારથી નારાજ છે?

મુંબઈ – હાલમાં જ યોજાઈ ગયેલી લોકસભા ચૂંટણીમાં 18 સીટ જીતીને નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ)માં ભાજપ પછી બીજા ક્રમે રહેનાર શિવસેનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર-2માં સ્થાન આપવામાં આવ્યું છે.

શિવસેનાનાં અરવિંદ સાવંતને હેવી ઈન્ડસ્ટ્રીઝ અને એન્ટરપ્રાઈઝીસ પ્રધાન બનાવવામાં આવ્યા છે. સાવંત મુંબઈ-દક્ષિણ બેઠક પરથી ચૂંટણી જીત્યા છે. એમણે કોંગ્રેસના મિલિંદ દેવરાને પરાજય આપ્યો હતો. સાવંત 2014ની ચૂંટણી પણ જીત્યા હતા.

હવે મહારાષ્ટ્રના રાજકારણમાં એવી ચર્ચા શરૂ થઈ છે કે હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતાથી શિવસેના નારાજ છે. એણે કોઈક વધારે મહત્ત્વના ખાતાની અપેક્ષા રાખી હતી.

ઉલ્લેખનીય છે કે, 2014ની ચૂંટણી જીતીને નરેન્દ્ર મોદી અને ભાજપ સત્તા પર આવ્યા હતા ત્યારે પણ શિવસેનાને ખાતાની કરાયેલી ફાળવણીથી નારાજગી થઈ હતી.

અરવિંદ સાવંતે ગુરુવારે કેન્દ્રીય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

18 સીટ જીતી હોવા છતાં શિવસેનાને પ્રધાનમંડળમાં માત્ર એક જ પ્રધાનપદ આપવામાં આવ્યું છે અને તે પણ હેવી ઈન્ડસ્ટ્રીઝનું.

જોકે, શિવસેનાના રાજ્યસભાના સદસ્ય સંજય રાઉતે સ્પષ્ટતા કરી છે કે હેવી ઈન્ડસ્ટ્રીઝ ખાતું મળવાથી શિવસેના પક્ષ જરાય નારાજ નથી. ઉલટાનું, વડા પ્રધાન મોદીએ શિવસેનાને આપેલા ખાતાથી અમને સંતોષ છે. શિવસેના નારાજ છે એવા અહેવાલોમાં કોઈ તથ્ય નથી.