આદિત્ય ઠાકરેને સુકાન સોંપતાં શિવસેનાએ એનડીએથી છેડો ફાડ્યો

મુંબઇઃ ભાજપ સાથે ચાલી રહેલી ખેંચતાણનો અંત લાવતાં શિવસેનાએ મોટો નિર્ણય લીધો છે. શિવસેનાએ એનડીએ ગઠબંધનથી અલગ પડવાનું એલાન કરી દીધું છે. 2019ની ચૂંટણી શિવસેના સ્વતંત્રપણે લડશે અને વિધાનસભા ચૂંટણીમાં પણ એકલાં જ ઝૂકાવશે.શિવસેના તરફથી આજે પક્ષનું સુકાન આદિત્ય ઠાકરેને સોંપવાની જાહેરાત સાથે આ નિર્ણય પણ જાહેર કરવામાં આવ્યો હતો. પક્ષ તરફથી તેની જાહેરાત વરિષ્ઠ નેતા સંજય રાઉતે કરી હતી. મહારાષ્ટ્ર સરકારમાં ભાજપ અને શિવસેના ગઠબંધનના 288 ધારાસભ્ય છે તેમાં 122 ભાજપ, 63 શિવસેના અને બાકીના અન્ય છે.

શિવસેનાની જાહેરાત સાથે સંશય ખડો થયો છે કે શું પક્ષ મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીની સત્તામાંથી પણ છેડો ફાડશે?  રાજનીતિજ્ઞોનું માનવું છે કે નવી પેઢીના સુકાની આદિત્ય ઠાકરેની સ્વતંત્ર ઓળખ બનાવવા સાથે આ નિર્ણય શિવસેના દ્વારા ભાજપ પર દબાણ લાવવાની રાજનીતિ છે.

એનડીએથી અલગ થવાનો નિર્ણય શિવસેનાની કાર્યકારિણી બેઠકમાં લેવાયો છે. જોકે લાંબાસમયથી ભાજપ સામેની નારાજગી નેતાઓના વક્તવ્યોમાં જાહેર થતી રહી હતી અને ફડવીસ સરકારની તીખી આલોચના થા જીએસટી મુદ્દે તેમના મતભેદો તીવ્રરુપે બહાર આવી ગયાં હતાં.

શિવસેના તરફથી રાહુલ ગાંધીની તરફદારી કરતાં નિવેદનો પણ જોવા મળ્યાં હતાં. શિવસેનાએ બીએમસી ચૂંટણીમાં ભાજપ શિવસેના અલગ અલગ ચૂંટણી લડ્યાં હતાં જેમાં ભાજપે શિવસેનાને આકરી ટક્કર આપતાં શિવસેનાએ ચૂપકીદી સાધી લીધી હતી.