સચીનની પુત્રી સારાને પરેશાન કરનારો હવે જેલની હવા ખાય છે

0
1639

મુંબઈ – ભૂતપૂર્વ ક્રિકેટર અને ‘ભારત રત્ન’ સચીન તેંડુલકરની પત્રી સારાને વારંવાર ફોન કરીને પરેશાન કરનાર અને એનું અપહરણ કરવાની ધમકી આપનાર બદમાશની મુંબઈ પોલીસે આજે ધરપકડ કરી છે.

એ શખ્સે સચીન તેંડુલકરના નિવાસસ્થાને ફોન કરીને સચીનની પુત્રી સારા અંગે અભદ્ર ભાષા વાપરી હતી. પોલીસે કહ્યું કે એ માણસ પોતાની સાથે લગ્ન કરવાનું સારાને કહેતો હતો અને એણે સારાને એવી ધમકી આપી હતી કે જો તે લગ્ન નહીં કરે તો પોતે સારાનું અપહરણ કરશે.

ધમકી મળ્યા બાદ તેંડુલકર પરિવારે બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

એ યુવક લગભગ બે મહિનાથી સારાને ફોન કરતો હતો. છેલ્લો ફોન 2 જાન્યુઆરી, 2018ના રોજ આવ્યો હતો. શખ્સે જ્યારે સચીનને એમની ઓફિસમાં ફોન કર્યો ત્યારે સચીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે એ નંબરને ટ્રેસ કર્યો હતો અને તે પશ્ચિમ બંગાળમાં હોવાનું માલૂમ પડ્યું હતું.

પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે બદમાશ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે અને એનું નામ દેવકુમાર મૈતી છે. તરત જ મુંબઈ પોલીસે બંગાળના મિદનાપોરની પોલીસને જાણ કરી હતી અને મુંબઈના પોલીસના અધિકારીઓએ મિદનાપોર જિલ્લાના મહિષાડલ વિસ્તારમાં જઈને શનિવારે રાતે એને ઝડપી લીધો હતો. પોલીસે ત્યાંથી એ યુવકને હલ્દિયા કોર્ટમાં હાજર કર્યો હતો અને કોર્ટે ટ્રાન્ઝિટ રીમાન્ડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ મુંબઈ પોલીસ આરોપીને મુંબઈ લાવી છે અને તે શખ્સે સચીન તેંડુલકરના ઘરનો તેમજ સારાનો મોબાઈલ નંબર કેવી રીતે મેળવ્યો એની પૂછપરછ કરી હતી.

દેવકુમાર મૈતીના પરિવારજનોનું કહેવું છે કે એમના દીકરાની માનસિક હાલત ઠીક નથી.