મુંબઈ – દંતકથાસમા ક્રિકેટર અને ભારત રત્ન સચીન તેંડુલકરનાં પુત્રી સારા તેંડુલકરનાં નામે માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર ઉપર નકલી એકાઉન્ટ ખોલનાર એક સોફ્ટવેર એન્જિનીયરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે.
નીતિન શિશોદે નામના તે એન્જિનીયરે સારા તેંડુલકરનાં નામે નકલી એકાઉન્ટ ખોલીને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર વિરુદ્ધ વાંધાજનક કમેન્ટ્સ પોસ્ટ કરી હતી.
મુંબઈ પોલીસે 32-વર્ષીય શિશોદેને આજે અહીં અંધેરીમાંથી પકડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હજી ગયા જ મહિને સારા તેંડુલકરને એક અજાણ્યો શખ્સ ફોન પર પરેશાન કરતો હતો અને ધમકી પણ આપતો હતો. મુંબઈ પોલીસે એને પશ્ચિમ બંગાળના ગામમાં જઈને એને પકડી લીધો હતો.
થોડા દિવસ અગાઉ એવા સમાચાર હતા કે માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરના પુત્રી સારાનાં ટ્વિટર એકાઉન્ટ પર એનસીપીના એક દિગ્ગજ નેતા વિરુદ્ધ અમુક વાંધાજનક કમેન્ટ્સ પોસ્ટ કરવામાં આવી છે. ત્યારબાદ સચીન તેંડુલકરે એવી સ્પષ્ટતા કરી હતી કે એમનાં સંતાનો (પુત્ર અર્જૂન તથા પુત્રી સારા)ના નામે ટ્વિટર એકાઉન્ટ છે જ નહીં.
પોલીસના જણાવ્યા મુજબ, નીતિન શિશોદેની ભારતીય ફોજદારી કાયદા (આઈપીસી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કાયદા અંતર્ગત પકડવામાં આવ્યો છે અને એક સ્થાનિક કોર્ટે એને 9 ફેબ્રુઆરી સુધી કસ્ટડીમાં મોકલી દીધો છે.
સાઈબર પોલીસે શિશોદેને અંધેરીમાં લોકસરિતા એપાર્ટમેન્ટ સ્થિત એના ઘરમાંથી પકડ્યો હતો. તે સોફ્ટવેર એન્જિનીયર છે અને જૂના લેપટોપની ખરીદી તથા વેચાણનું કામ કરે છે.
સચીન તેંડુલરકરના પર્સનલ આસિસ્ટન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે સારા તેંડુલકરનાં નામે કોઈ અન્ય વ્યક્તિ ટ્વિટર એકાઉન્ટ ચલાવે છે અને ટ્વીટ્સ કરે છે.
આ કેસ 2017ના ઓક્ટોબરનો છે. નીતિન ત્યારથી સારાનાં નામે નકલી એકાઉન્ટ ચલાવતો હતો. એ ગૂગલ પરથી સારાની તસવીરો ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરતો હતો.