મુંબઈ યૂનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર પદેથી સંજય દેશમુખની હકાલપટ્ટી

મુંબઈ – ઓનલાઈન પેપર ચકાસણીમાં થયેલા વિલંબના મામલે મહારાષ્ટ્ર સરકારે આજે મુંબઈ યૂનિવર્સિટીના ઉપ-કુલપતિ (વાઈસ-ચાન્સેલર) ડો. સંજય દેશમુખ સામે પગલાં લીધા છે અને પદ પરથી એમની હકાલપટ્ટી કરી દીધી છે.

વારંવાર ડેડલાઈન આપવામાં આવી હોવા છતાં પરિણામ સમયસર જાહેર કરવામાં ન આવતાં આખરે રાજ્ય સરકારે સંજય દેશમુખની હકાલપટ્ટી કરી દીધી છે.

મહારાષ્ટ્રના ગવર્નર વિદ્યાસાગર રાવ, જેઓ યૂનિવર્સિટીના કુલપતિ (ચાન્સેલર) ગણાય છે, એમણે ઉપ-કુલપતિ દેશમુખની હકાલપટ્ટી કરી દીધી છે.

પરીક્ષાના આન્સર પેપર્સના ઓનલાઈન ચેકિંગ (એસેસમેન્ટ) માટે જે રીતે ટેન્ડર્સ રજૂ કરાયા હતા અને પદ્ધતિ ઘડવામાં આવી હતી એને કારણે ઉહાપોહ મચી ગયો હતો અને મહારાષ્ટ્ર સરકારે તપાસનો આદેશ આપ્યો હતો. પેપર્સના ઓનલાઈન ચેકિંગમાં વિલંબ થયો હતો તેમજ પેપર્સના રીવેલ્યૂએશનની કામગીરીમાં પણ ગડબડ થઈ હતી અને વિલંબ થયો હતો એને કારણે ગ્રેજ્યુએશન માટેના છેલ્લા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓની પરીક્ષાનાં પરિણામની જાહેરાતમાં ઘોર વિલંબ થયો હતો.

કુલ ૧૭.૩૬ લાખ આન્સર શીટ્સમાંથી લાખોની સંખ્યામાં આન્સર શીટ્સનું ચેકિંગ બાકી રહી જતાં પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હતો.

ડો. દેશમુખને પદ પરથી હટાવવાની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માગણી કરી હતી.