આરએસએસ માનહાનિ કેસઃ કોર્ટે આરોપ માન્ય રાખ્યો, રાહુલ ગાંધીએ નકાર્યો

ભિવંડી (મહારાષ્ટ્ર) – રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામેના આરોપને આજે એક સ્થાનિક અદાલતે માન્ય રાખ્યો છે. રાહુલ ગાંધી આજે કોર્ટમાં હાજર થયા હતા, પણ એમણે આરોપને માન્ય રાખ્યો નથી અને કહ્યું કે પોતે દોષી નથી.

રાહુલે કહ્યું છે કે પોતે આ કેસ લડી લેશે અને જીતીને બતાવશે.

રાહુલ પર ભારતીય ફોજદારી ધારાની કલમો 499 અને 500 અંતર્ગતનો આરોપ કોર્ટે માન્ય રાખ્યો છે.

રાહુલ ગાંધી અને આરએસએસના કાર્યકર્તા રાજેશ કુન્ટે

ઉલ્લેખનીય છે કે, 2014ની 6 માર્ચે મહારાષ્ટ્રના થાણેમાં આયોજિત એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એમના ભાષણમાં એમ કહ્યું હતું કે મહાત્મા ગાંધીની હત્યામાં આરએસએસનો હાથ હતો. રાહુલે કહ્યું હતું કે આરએસએસના લોકોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી અને આજે એ જ લોકો ગાંધીજી વિશે સુફિયાણી વાતો કરે છે.

રાહુલની આ ટિપ્પણી બાદ આરએસએસ સંસ્થાના કાર્યકર્તા રાજેશ કુન્ટેએ એમની વિરુદ્ધ કોર્ટમાં માનહાનિનો કેસ કર્યો હતો. કુન્ટેએ રાહુલની એ કમેન્ટ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કેસ કર્યો હતો. એમણે આરોપ મૂક્યો છે કે રાહુલ ગાંધી કેન્દ્ર તથા દેશના 21 રાજ્યોમાં સત્તા ધરાવતી ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા આરએસએસને બદનામ કરવાનો પ્રયાસ કરે છે.

કેસની કાર્યવાહી આજે કોર્ટની અંદર શરૂ કરવામાં આવી હતી અને જજ એ.આઈ. શેખે રાહુલ સામેના આરોપ વાંચી સંભળાવ્યા હતા. ત્યારે રાહુલ બોલ્યા હતા કે હું નિર્દોષ છું.

કોર્ટે હવે કેસમાં હવે પછીની સુનાવણી 10 ઓગસ્ટ સુધી મુલતવી રાખી છે.

કોર્ટે ચુકાદા આપ્યા બાદ રાજેશ કુન્ટેએ એવો આરોપ મૂક્યો હતો કે ભિવંડીની પોલીસે પોતાની સાથે ભેદભાવભર્યું વર્તન કર્યું હતું જ્યારે રાહુલ ગાંધીને વિશેષ સુવિધા આપી હતી.

કુન્ટેએ કહ્યું કે, પોલીસોએ મારી તલાશી લીધી હતી તે છતાં મને કોર્ટની અંદર જવા દીધો નહોતો જ્યારે રાહુલ ગાંધી તથા એમની સાથેના લોકોની તલાશી લેવાઈ નહોતી તે છતાં એમને કોર્ટની અંદર જવા દેવામાં આવ્યા હતા.