લોનાવલામાં ગમખ્વાર રોડ અકસ્માતમાં 4 હોટેલ મહિલા કર્મચારી સહિત પાંચનાં મરણ

0
1163

મુંબઈ – ગઈ કાલે રાતે જૂના મુંબઈ-પુણે નેશનલ હાઈવે પર લોનાવલા નજીક એક ટેમ્પો અને એક કાર વચ્ચે જોરદાર અથડામણ થતાં પાંચ જણનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતમાં માર્યા ગયેલા પાંચ જણમાં ચાર મહિલા છે, જેઓ એક લક્ઝરિયસ હોટેલની કર્મચારીઓ હતી. અકસ્માતમાં કારના ડ્રાઈવરનું પણ મરણ થયું છે.

અકસ્માતમાં અન્ય ત્રણ જણ ગંભીર રીતે ઘાયલ થયાં છે. એમાં પણ હોટેલની બે મહિલા કર્મચારીઓ અને ટેમ્પોના ડ્રાઈવરનો સમાવેશ થાય છે.

ગમખ્વાર અકસ્માત હાઈવે પર સાઈ મોરેશ્વર હોટેલ સામે રાતે લગભગ 9 વાગ્યાના સુમારે તયો હતો.

ટેમ્પો ખૂબ સ્પીડમાં જતો હતો અને તે કાર સાથે જોરથી અથડાયો હતો.

કારમાં સાત મહિલાઓ પ્રવાસ કરી રહી હતી જેઓ લોનાવલા શહેરની રિધમ હોટેલની કર્મચારીઓ હતી. પોલીસે હજી મૃતકોનાં નામ જાહેર કર્યાં નથી.

તે મહિલાઓ રાતે એમનું કામ પૂરું થયા બાદ કારમાં બેસીને ઘર તરફ રવાના થઈ હતી.