વરસાદી આક્રમણ વચ્ચે મુંબઈગરાંઓને BEST, રિક્ષાચાલકો તરફથી મોટી રાહત

મુંબઈ – શહેર અને ઉપનગરોમાં મેઘરાજા હાલ જોરદાર બેટિંગ પર ઉતર્યા છે અને હંમેશની જેમ નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર કરી રહ્યા છે ત્યારે બસસેવા ચલાવતી BEST કંપની અને રિક્ષાચાલકો-માલિકો તરફથી મુંબઈગરાંઓને મોટી રાહત મળી છે.

મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત BEST કંપનીએ આજથી તેના બસભાડામાં ધરખમપણે ઘટાડો કરી નાખ્યો છે તો રિક્ષાડ્રાઈવરો-માલિકોએ એમની આજથી શરૂ થનારી બેમુદત હડતાળને પાછી ખેંચી લીધી છે.

મુંબઈમાં બસસેવા ઓપરેટ કરતી BEST કંપનીએ બસપ્રવાસનું મિનિમમ ભાડું પાંચ રૂપિયા કરી દીધું છે જે ગઈ કાલ સુધી આઠ રૂપિયા હતું. પાંચ કિલોમીટરના પ્રવાસ સુધીનું લઘુત્તમ ભાડું પાંચ રૂપિયા રહેશે. પાંચથી 10 કિ.મી.ના પ્રવાસ માટેનું ભાડું 10 રૂપિયા અને 10થી 15 કિ.મી.ના અંતર માટે રૂ. 15 અને 15થી વધુ કિ.મી.ના અંતરના પ્રવાસ માટેનું ભાડું રૂ. 20 રૂપિયા રહેશે.

એરકન્ડિશન્ડ બસ માટે પણ લઘુત્તમ ભાડું ઘટાડી દેવામાં આવ્યું છે. તે હવે પાંચ કિ.મી. માટે 6 રૂપિયા રહેશે.

બસભાડામાં ઘટાડાના પ્રસ્તાવને ગઈ કાલે મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ પ્રધાન દિવાકર રાવતેએ મંજૂર રાખ્યો હતો. એ સાથે જ નવો સસ્તો ભાડાંદર આજથી લાગુ થઈ ગયો છે.

મુંબઈ મહાનગરપાલિકા (BMC) દ્વારા સંચાલિત બૃહનમુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) કંપની મુંબઈમાં 3,337 બસોનો કાફલો ધરાવે છે. આ બસો તળ મુંબઈ, ઉપનગરો તેમજ પડોશના થાણે અને નવી મુંબઈમાં 483 રૂટ પર દોડાવવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે બેસ્ટ કંપની હાલ દૈનિક બે કરોડ રૂપિયાની ખોટ કરે છે તે છતાં એણે ભાડું ઘટાડવાનો ક્રાંતિકારી નિર્ણય લીધો છે, કારણ કે એના પ્રવાસીઓની સંખ્યા જે એક સમયે 45 લાખ હતી જે આજે ઘટીને 27 લાખ થઈ ગઈ છે. લોકોને રિક્ષા અને ટેક્સીને બદલે ફરી બસમાં પ્રવાસ કરવા માટે આકર્ષિત કરવાની આશાએ બેસ્ટ કંપનીએ ભાડા ઘટાડવાનો નિર્ણય લીધો છે.

મુુખ્ય પ્રધાનના હસ્તક્ષેપ બાદ રિક્ષા હડતાળ પાછી ખેંચાઈ

મુંબઈમાં રિક્ષાડ્રાઈવરો અને માલિકોએ 9 જુલાઈની મધરાતથી મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં બેમુદત રિક્ષા હડતાળ પર જવાનું એલાન કર્યું હતું, પણ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રિક્ષાચાલકોની માગણીઓને સ્વીકારવા અને યુનિયન નેતાઓ સાથે આજે ચર્ચા કરવાની ખાતરી આપતાં યુનિયનોએ હડતાળને પાછી ખેંચી લીધી છે.

ઓટોરિક્ષા ચાલક માલક સંયુક્ત કૃતિ સમિતિના વડા શશાંક રાવે કહ્યું હતું કે આજે મુખ્ય પ્રધાન ફડણવીસ સાથે અમારી બેઠક થઈ હતી, એમાં મુખ્ય પ્રધાને અમને વિનંતી કરી હતી કે અમે રિક્ષાહડતાળ પાછી ખેંચી લઈએ, કારણ કે એનાથી લાખો લોકોને ઘણી અગવડ પડશે.

મહારાષ્ટ્રમાં આશરે 12 લાખ જેટલી ઓટોરિક્ષાઓ દોડે છે. મુંબઈમાં આશરે બે લાખ રિક્ષાઓ છે. રિક્ષાચાલકો અને માલિકોની માગણી છે કે રિક્ષાભાડામાં ચારથી છ રૂપિયાનો વધારો કરવામાં આવે. મુંબઈમાં હાલ મિનિમમ રિક્ષાભાડું 18 રૂપિયા છે.

આ ઉપરાંત રિક્ષામાલિકોની માગણી છે કે ઓલા અને ઉબેર જેવા ખાનગી ઓપરેટરો પર પ્રતિબંધ મૂકવામાં આવે.