રાજ ઠાકરેનો વટ રહ્યો, થાણેમાં જાહેર સભા યોજવાની પોલીસે આખરે પરવાનગી આપી

0
1893

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે પડોશના થાણે શહેરમાં ૧૮ નવેમ્બરે શનિવારના રોજ જાહેર સભા યોજવાના છે. રસ્તાઓ પર ગેરકાયદેસર ફેરિયાઓના ત્રાસના મામલે પોતાનો રોષ વ્યક્ત કરવા તેઓ આ જાહેર સભા યોજવાના છે.

શરૂઆતમાં થાણેની પોલીસે રાજ ઠાકરેને આ જાહેર સભા યોજવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો, પણ હવે પરવાનગી આપી દીધી છે. આમ, શનિવારે થાણેને ગજાવવાનો રાજ ઠાકરેનો નિર્ધાર પાકો થયો છે.

થાણે પોલીસે મંજૂરી આપ્યાની જાણકારી મનસે પાર્ટીના ‘મનસે અધિકૃત’ ફેસબુક પેજ પર આપવામાં આવી છે.

રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેએ થાણે જઈને સભાના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

ગડકરી રંગાયતન સામેના રસ્તા પર જાહેર સભા યોજવાની પોલીસે રાજ ઠાકરેને મંજૂરી આપી છે.