રાહુલ ગાંધી 1 માર્ચથી મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર શરૂ કરશે; મુંબઈમાં સભા

મુંબઈ – કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી 1 માર્ચથી મહારાષ્ટ્રના ધુળે જિલ્લા શહેરમાંથી એમના પક્ષનો લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કરશે. એ જ દિવસે રાહુલ મુંબઈમાં પણ એક જાહેર સભાને સંબોધિત કરશે.

કોંગ્રેસનાં નવા નિમાયેલા મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા પણ આવતા મહિને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લે એવી ધારણા છે.

રાહુલ ગાંધી માર્ચમાં કોંગ્રેસના ચૂંટણીપ્રચારે આવશે એ પહેલાં 20 અને 23 ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના અનુક્રમે નાંદેડ અને બીડ શહેરમાં ભાગીદાર પક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મળીને સંયુક્ત જાહેર સભાઓને સંબોધિત કરશે.

લોકસભાની ચૂંટણી આવતા એપ્રિલ-મે મહિનામાં યોજાવાની ધારણા છે. એનો કાર્યક્રમ ચૂંટણી પંચે હજી જાહેર કર્યો નથી. માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર કરે એવી ધારણા છે.

કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અશોક ચવ્હાણે કહ્યું કે રાહુલ ગાંધી 1 માર્ચે મુંબઈમાં પણ એક જાહેર સભાને સંબોધિત કરશે.

2014ની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લઈ ફરી સત્તા હાંસલ કરવા માટે કોંગ્રેસ પાર્ટી સમાન વિચારસરણીવાળા પક્ષોને ભેગા કરવાના પ્રયાસોમાં છે.

અશોક ચવ્હાણ સંસદસભ્ય છે. ગઈ વેળાની 2014 લોકસભા ચૂંટણીમાં એ નાંદેડમાંથી ચૂંટાઈ આવ્યા હતા.

લોકસભામાં મહારાષ્ટ્રની 48 બેઠકો છે. ઉત્તર પ્રદેશની 80 બેઠક બાદ દેશમાં સૌથી વધુ બેઠક ધરાવનાર રાજ્યોમાં મહારાષ્ટ્ર બીજા નંબરે છે.