રાહુલ ગાંધીની છાપ 2014 કરતાં અત્યારે વધારે બગડી છેઃ વિજય રૂપાણી

મુંબઈ – ગુજરાતનાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું માનવું છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની છાપ 2014 કરતાં અત્યારે વધારે બગડી છે.

મુંબઈના ઘાટકોપરમાં ભાજપના ઉમેદવાર મનોજ કોટકના પ્રચાર માટે આવેલા રૂપાણીએ પીટીઆઈ સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું કે રાહુલ ગાંધીની અપરિપક્વ વર્તણૂકને કારણે સોશિયલ મિડિયા પર એમની જે મજાક ઉડાવાય છે એ જોઈને મને એમની પર દયા આવે છે.

રૂપાણીએ એમ પણ કહ્યું કે 2014માં ‘મોદી વેવ’ જોયા બાદ આ વર્ષે દેશમાં ‘મોદી સુનામી’ જોવા મળી રહી છે.

રૂપાણીએ કહ્યું કે, રાહુલ ગાંધીનાં અપરિપક્વ વર્તન બદલ સોશિયલ મિડિયા પર એમની જે મજાક ઉડાવાઈ રહી છે એ જોઈને મને એમની દયા આવે છે. એમની છાપ જરાય ગંભીર ન હોય એવા નેતા તરીકેની છે… જેમ કે સંસદમાં આંખ મારવાનું વર્તન, મોદીજીને ભેટવાનું વર્તન… આ બધું એમની અપરિપક્વતા દર્શાવે છે. એમની છાપ 2014માં હતી એના કરતાં પણ આ વખતે બગડી ગઈ છે.

રૂપાણીએ કહ્યું કે મોદીએ ખાસ ધ્યાન રાખ્યું છે કે દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થાય, જે પાછલી સરકારોમાં જોવા મળ્યું નહોતું.

રૂપાણીએ કહ્યું કે દેશને છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વસનીય અને પારદર્શક શાસન જોવા મળ્યું છે.

પ્રિયંકા ગાંધીના રાજકારણ પ્રવેશથી ભાજપને હાનિ થશે? એવા સવાલના જવાબમાં રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસ ભલે પ્રિયંકાને ટ્રમ્પ કાર્ડ માને, પણ એ માત્ર ઉત્તર પ્રદેશ પૂરતું સીમિત છે, દેશમાં બીજે ક્યાંય એમનું જોર જોવા મળ્યું નથી.