મુંબઈના ઘરમાં મધરાતે અજગર ઘૂસ્યો; નિષ્ણાતોએ 15 મિનિટમાં તાબામાં લીધો

મુંબઈ – અહીંના દહિસર ઉપનગરના ગટનપાડા વિસ્તારમાં રહેતા સત્યબહાદૂર સિંગ ચાલીમાં એક ઘરમાં રાતે અજગર ઘૂસી આવતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા.

ગઈ 6 ઓગસ્ટની મધરાતે એક વાગ્યાના સુમારે ઘૂસી આવેલો તે અજગર છ ફૂટ લાંબો હતો.

આની જાણ કરાતાં ‘સાર્પ’ SARRP (સ્પ્રેડિંગ અવેરનેસ ઓન રેપ્ટાઈલ્સ એન્ડ રીહેબિલીટેશન પ્રોગ્રામ) સંસ્થાના નિષ્ણાતો ત્યાં પહોંચી ગયા હતા અને અજગરને એમના તાબામાં લેતા ઘરનાં સભ્યો તથા પડોશીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

બનાવની વિગત એવી છે કે ચાલના પહેલા માળ પર અનિલ દુબે રહે છે. એના ઘરમાં ‘અજાણ્યો મહેમાન’ અજગર ઘૂસી આવ્યો ત્યારે તેઓ જમતા હતા. અજગરને જોતાવેંત સહુએ બૂમાબૂમ કરી મૂકી હતી. એને લીધે પડોશીઓ પણ બહાર દોડી આવ્યા હતા.

તરત જ ઘરનાં સભ્યો બહાર નીકળી ગયા હતા અને પોલીસ તથા અગ્નિશામક દળને ફોન કરીને જાણ કરી હતી.

પોલીસે તરત જ SARRP સંસ્થાને જાણ કરી હતી. SARRPના પ્રમુખ સંતોષ શિંદે તથા સ્વયંસેવક તેમજ નિસર્ગતજજ્ઞ ચૈતન્ય કીર ઘટનાસ્થળે દોડી ગયા હતા.

એ વખતે રાતે બે વાગી રહ્યા હતા. ઘરમાં પહોંચીને માત્ર 15 મિનિટમાં જ શિંદે અને કીરે અજગરને પકડીને થેલીમાં પૂરી દીધો હતો.

આ જ SARRP સંસ્થાના નિષ્ણાતો તાજેતરમાં મહાન ક્રિકેટર સચીન તેંડુલકરના ઘેર જઈને એક ઘાયલ સમડી પક્ષીને બચાવ્યું હતું.

ચૈતન્ય કીરે કહ્યું કે નાગરિકોએ ઉંદર અને ઘૂસનો નાશ કરવો જોઈએ. એમને ખાવા માટે અજગરો માનવવસ્તીમાં ઘૂસી આવે છે.

પકડેલા અજગરને SARRPનાં સભ્યોએ પોલીસોની હાજરીમાં ફરી જંગલમાં છોડી દીધો હતો.

httpss://youtu.be/1GABOPMLpyI

httpss://youtu.be/0l30UfI6u8c