મુંબઈ કોંગ્રેસ પ્રમુખપદેથી સંજય નિરુપમને હટાવો: મિલિંદ દેવરાના સમર્થકોની માગણી

0
1855

મુંબઈ – કોંગ્રેસના મુંબઈ એકમમાં રાજકીય ભૂકંપ આવે એવી સંભાવના છે, કારણ કે સંજય નિરુપમ વિરુદ્ધ પાર્ટીમાં ખૂબ નારાજગી ફેલાઈ છે અને એમને પદ પરથી હટાવવાની હિલચાલ ચાલી રહી છે.

કહેવાય છે કે મુંબઈની મુલાકાતે આવેલા પક્ષના સિનિયર નેતા અને લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેને મુંબઈના અનેક કોંગ્રેસી નેતાઓ મળ્યા હતા અને નિરુપમ વિરુદ્ધ ફરિયાદ કરી છે. ખડગે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રભારી છે.

એક તરફ કોંગ્રેસ પાર્ટીએ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની યોજના ઘડી છે ત્યારે કોંગ્રેસમાં આંતરિક ખટપટ વધી રહી છે.

નિરુપમને મુંબઈ કોંગ્રેસ પ્રમુખપદેથી હટાવવાની મિલિંદ દેવરા અને સ્વ. ગુરુદાસ કામતના સમર્થકોએ જોરદાર રજૂઆત કરી છે.

નિરુપમને હટાવી મિલિંદ દેવરાને મુંબઈ કોંગ્રેસ પ્રમુખ બનાવવાનો આગ્રહ પણ આ નેતાઓએ ખડગે સમક્ષ રજૂ કર્યો હોવાનું કહેવાય છે. ગુરુદાસ કામતના સમર્થકો પણ મિલિંદ દેવરાની તરફેણ કરી રહ્યા છે.

નિરુપમને પદ પરથી હટાવી દેવરાની નિમણૂક કરવા માટે મુંબઈના નેતાઓ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને પણ મળવા વિચારી રહ્યા છે.

ચૂંટણી પૂર્વે મુંબઈ કોંગ્રેસમાં તમામ જૂથો દેવરાને ટેકો આપી પક્ષપ્રમુખને એકતાની ખાતરી આપવા માગે છે.