13 ઓક્ટોબરે હડતાળઃ દેશભરના પેટ્રોલ ડીલર્સનું એલાન

મુંબઈ – દેશભરના હજારો પેટ્રોલ પંપ માલિકોએ એમની માગણીઓના ટેકામાં આવતી 13 ઓક્ટોબરે એક દિવસની હડતાળ પાડવાનું નક્કી કર્યું છે.

જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 13 ઓક્ટોબરના શુક્રવારે દેશભરના 54 હજાર પેટ્રોલ પંપ્સ સંપૂર્ણપણે બંધ રહેશે, એવી જાહેરાત ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને કરી છે.

એસોસિએશને એમ પણ કહ્યું છે કે જો કેન્દ્ર સરકાર એમની માગણીઓ નહીં સ્વીકારે તો 27 ઓક્ટોબરથી તેઓ દેશભરમાં બેમુદત હડતાળ પર જશે.

પેટ્રોલિયમ ઉત્પાદનોના ડીલર્સની માગણી છે કે 2016ની 4 નવેંબરે સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એમની સાથે જે સમજૂતી કરી હતી એનો અમલ કરવામાં આવે, માર્કેટિંગ આચારસંહિતા અંતર્ગત ડીલર્સ પર લાગુ કરવામાં આવનાર દંડની સિસ્ટમને રદ કરવામાં આવે, એમને અપાતું કમિશન વધારવામાં આવે અને પેટ્રોલિયમ ઉત્પાદનોને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) કર વ્યવસ્થામાં સામેલ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે સરકારે દેશભરમાં પેટ્રોલ, ડિઝલના ભાવમાં રોજેરોજ ફેરફારોની જે પ્રથા ગઈ 1 જુલાઈથી અમલમાં મૂકી છે તેનાથી પેટ્રોલિયમ ડિલર્સ નારાજ છે.