મોટી હસ્તીઓની હત્યા કરવાનો પ્લાન ઘડનાર પાકિસ્તાની ત્રાસવાદીની મુંબઈમાં ધરપકડ

મુંબઈ – મહારાષ્ટ્રની એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડે 32 વર્ષના એક શખ્સની ધરપકડ કરી છે જે કેટલીક મોટી હસ્તીઓની હત્યા કરવાનો પ્લાન ઘડતો હતો.

એટીએસ અધિકારીઓએ કહ્યું કે ફૈઝલ મિર્ઝા નામનો આ શખ્સ પાકિસ્તાનનો ત્રાસવાદી છે અને એની 11 મેએ એન્ટી-ટેરર એજન્સીના જૂહુ એરિયા એકમના અધિકારીઓએ ધરપકડ કરી હતી. એ શખ્સ શારજાહ અને દુબઈ થઈને પાકિસ્તાનમાં જવાનો હતો, જ્યાં તે એક ત્રાસવાદી સંગઠન દ્વારા સંચાલિત એક શિબિરમાં તાલીમ લેવાનો હતો.

આરોપીએ ત્રાસવાદી સંગઠન દ્વારા કરાચીમાં ચલાવાતી એક શિબિરમાં સ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરવાની, અદ્યતન શસ્ત્રો ચલાવવાની અને આત્મઘાતી બોમ્બ હુમલા કરવાની તાલીમ તો લીધી જ છે.

મુંબઈમાં કરાયેલી ત્રાસવાદી પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ જાહેર કરાયેલા એક શખ્સે એને પાકિસ્તાન બોલાવ્યો હતો. પકડાયેલો શખ્સ પહેલા એ વોન્ટેડ શખ્સને શારજાહ મળવા ગયો હતો. ત્યાં થોડોક સમય વિતાવ્યા બાદ એ દુબઈ ગયો હતો અને ત્યાંથી કરાચી ગયો હતો. ત્યાં એણે ત્રાસવાદની તાલીમની શિબિરમાં ભાગ લીધો હતો. એટીએસ અધિકારીઓનું કહેવું છે કે એવું જાણવા મળ્યું છે કે

આ ત્રાસવાદી સંગઠનને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસીસ ઈન્ટેલિજન્સ (ISI)નો ટેકો છે.


પકડાયેલા પાકિસ્તાની શખ્સને મુંબઈની કોર્ટે 21 મે સુધી એટીએસની કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.


પકડાયેલા શખ્સની પૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે તે એક ત્રાસવાદી સંગઠન સાથે સંકળાયેલો છે અને એ સંગઠને ભારતમાં જાહેર સ્થળો તથા લોકોની ભીડવાળા વિસ્તારોમાં હુમલા કરવાનો પ્લાન ઘડ્યો હતો.