ગુરુવારે ‘મહારાષ્ટ્ર બંધ’: નવી મુંબઈ, થાણે બાકાત, પણ મુંબઈને બંધ કરાવવા આંદોલનકારો મક્કમ

મુંબઈ – સરકારી નોકરીઓમાં મરાઠા સમાજ માટે અનામત બેઠકોની માગણી કરી રહેલા કેટલાક મરાઠા સંગઠનો દ્વારા આવતીકાલે ‘મહારાષ્ટ્ર બંધ’નું એલાન કરવામાં આવ્યું છે. મુંબઈમાં પણ બંધ પાળવામાં આવશે, પણ નવી મુંબઈ તથા થાણે શહેરોને બાકાત રાખવામાં આવ્યા છે એવી જાહેરાત બંધના આયોજકોએ સાંજે કરી હતી. મરાઠા આંદોલનકારોથી અલગ પડેલા મરાઠા ક્રાંતિ મહામોરચા નામના સંગઠને બંધનું એલાન કર્યું છે.

બંધ સવારે 8 વાગ્યાથી શરૂ કરી સાંજે 6 વાગ્યા સુધી પાળવામાં આવશે. બંધમાંથી તમામ આવશ્યક સેવાઓ, શાળા-કોલેજોને બાકાત રાખવામાં આવી છે, પરંતુ મુંબઈમાં સાવચેતીના પગલા તરીકે મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

બંધ દરમિયાન હિંસાની ઘટના બનતી રોકવા સરકારે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાના પગલાં લીધાં છે.

તમામ મરાઠા આંદોલનકાર સંગઠનો સકલ મરાઠા સમાજના ઉપક્રમે એકત્ર થયા છે. મુંબઈમાં શાંતિપૂર્ણ દેખાવો કરવાની સકલ મરાઠા સમાજે જાહેરાત કર્યા બાદ સમાજના એક સંગઠને એવું એલાન કર્યું હતું કે 9 ઓગસ્ટે મુંબઈમાં બંધ પાળવામાં આવશે.

મરાઠા ક્રાંતિ મહામોરચાના આગેવાન અમોલ જાધવરાવે કહ્યું છે કે 8 ઓગસ્ટના બુધવારે મધરાતથી 24 કલાક સુધી મુંબઈમાં બંધ પાળવામાં આવશે.

જાધવરાવે કહ્યું છે કે બંધ શાંતિપૂર્ણ રહેશે. કોઈ પ્રકારની હિંસા નહીં કરાય. બંધ દરમિયાન કોઈ પણ તાકીદની સેવાઓને રોકવામાં નહીં આવે. અમુક સંવેદનશીલ પ્રશ્નોને લીધે અમે નવી મુંબઈમાં બંધ ન પાળવાનું નક્કી કર્યું છે.

જાધવરાવે કહ્યું છે કે મારા સમાજના કેટલાક લોકો રાજ્ય સરકારને મુસીબતમાં મૂકવા માગતા નથી એટલે તેઓ બંધમાં ભાગ લેવાના નથી. અમારી માગણી છે કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપેલા વચન વિશે રાજ્ય સરકાર અમને લેખિતમાં ખાતરી આપે. એ ખાતરી નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

મરાઠા સમાજના એક અન્ય આગેવાન વિરેન્દ્ર પવારનું કહેવું છે કે મરાઠા સંગઠનોમાં સંકલનનો અભાવ છે. અમે શાંતિપૂર્ણ દેખાવો કરવા માગીએ છીએ, કારણ કે ગયા મહિને નવી મુંબઈ, પુણે તથા અન્ય સ્થળોએ મરાઠાઓના આંદોલનના નામે કેટલાક તોફાની તત્ત્વોએ હિંસા કરી હતી.