નાગપુરમાં પત્રકારના માતા, પુત્રીનું અપહરણ બાદ કરપીણ હત્યા

નાગપુર – અહીં ‘નાગપુર ટુડે’ વેબપોર્ટલના ક્રાઈમ રિપોર્ટર રવિકાંત કાંબળેના માતા અને પુત્રીના અપહરણ બાદ હત્યા કરવામાં આવતાં પત્રકારજગત તથા સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે.

રવિકાંત કાંબળેના માતા ઉષા સેવકદાસ કાંબળે (54) અને પુત્રી રાશી (18 મહિના) આ બંનેનું શનિવારે સાંજે અપહરણ કરવામાં આવ્યું હતું. એ બંને જણ નાગપુર શહેરના પવનપુત્ર નગરમાં પરિવાર સાથે રહેતાં હતાં. બંને જણ શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યાથી લાપતા થયા હતા.

ઉષા કાંબળે એમની પૌત્રીને લઈને કંઈક ખરીદી કરવા માટે કરિયાણાની દુકાને ગયા હતા, પરંતુ ત્યારબાદ એ ઘેર પાછા ફર્યા નહોતા.

શનિવારે રાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી.

આજે સવારે લગભગ 10.30 વાગ્યાના સુમારે વિરગાવ વિસ્તારમાં બહાદુરા નાળામાં ફેંકી દેવાયેલી હાલતમાં ઉષા કાંબળે તથા રાશી કાંબળેના મૃતદેહ મળી આવ્યા હતા. એ બંનેનું ગળું ઘોંટીને હત્યા કરવામાં આવી હતી.

પત્રકાર રવિકાંતની પત્ની નાગપુર પોલીસ દળમાં કામ કરે છે. તેથી પોલીસે આ હત્યાના બનાવમાં ઉગ્ર રીતે તપાસ હાથ ધરી છે.

પોલીસ આ બેવડી હત્યા પાછળનું કારણ હજી સુધી જાણી શકી નથી.

નાગપુર એ મહારાષ્ટ્રની ઉપરાજધાની છે અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું વતન છે. ગૃહ મંત્રાલય ફડણવીસ જ સંભાળી રહ્યા છે.