મહિલાઓનું અપમાનઃ મુંબઈમાં ભાજપના વિધાનસભ્ય રામ કદમને મહિલા પંચનું સમન્સ

0
1285

મુંબઈ – મહિલાઓ વિશે અપમાનજનક વિધાન કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઘાટકોપર ખાતેના વિધાનસભ્ય રામ કદમ સામે વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મહારાષ્ટ્ર રાજ્ય મહિલા પંચે કદમને નોટિસ મોકલી છે અને આઠ દિવસની અંદર એનો જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

રામ કદમે જન્માષ્ટમીના દિવસે ઘાટકોપરમાં આયોજિત દહીંહાંડી કાર્યક્રમમાં એક ભાષણમાં છોકરાઓને ઉદ્દેશીને એવું કહ્યું હતું કે તમે જે છોકરી સાથે લગ્ન કરવા માગતા હો એ જો તમને ના પાડે તો મારી પાસે આવજો. હું તમને મદદ કરીશ. તમારા માટે હું એ છોકરીને ભગાવી લાવીશ, કિડનેપ કરી લાવીશ.

બકવાસ નિવેદનને કારણે જાહેર જનતામાં તેમજ વિરોધ પક્ષોમાં રોષ ભભૂકી ઉઠ્યા બાદ રામ કદમે માફી માગી છે, પણ મામલો હવે મહિલા પંચમાં પહોંચી ગયો છે અને એમને નોટિસ અપાઈ છે.

મહિલા પંચના અધ્યક્ષા વિજયા રાહતકરે કહ્યું છે કે અમે કદમને નોટિસ મોકલી છે અને આઠ દિવસની અંદર જવાબ આપવાનો આદેશ આપ્યો છે.

કદમે સોશિયલ મિડિયા પર એક વિડિયો મેસેજ પોસ્ટ કરીને કહ્યું છે કે મને તો મહિલાઓ પ્રત્યે બહુ માન છે.

કેન્દ્રમાં તેમજ મહારાષ્ટ્રમાં ભાજપની ભાગીદારી પાર્ટી શિવસેના પણ રામ કદમના બેહુદા બકવાસથી ભડકી ગઈ છે. એણે કહ્યું છે કે હવે પછીની ચૂંટણીમાં કોઈ પણ પક્ષે રામ કદમને ટિકિટ આપવી ન જોઈએ.

રામ કદમ અગાઉ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનામાં હતા. એ વખતે એક ટ્રાફિક પોલીસની મારપીટ કરવાનો એમની પર આરોપ મૂકાયો હતો. બાદમાં એ મનસે પાર્ટી છોડીને ભાજપમાં આવી ગયા.

વિરોધ પક્ષોએ રામ કદમને રાવણ સાથે સરખાવ્યા છે અને ભાજપની સરકારને ચેતવણી આપી છે કે જો કદમ સામે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન એ કોઈ કામકાજ થવા નહીં દે.

ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રવક્તા માધવ ભંડારીએ કહ્યું છે કે કદમે માફી માગી લીધી છે એટલે મામલો પૂરો થઈ ગયો છે.