મુંબઈમાં ધાકધમકીથી લોકોને લોકલ ટ્રેનોમાં ચડતા રોકતા 87 જણને પોલીસે ઝપટમાં લીધા

મુંબઈ – અહીં લોકલ ટ્રેનોમાં ધાકધમકી આપીને અન્ય લોકોને ચડતા રોકવાનું ઘણા વખતથી કેટલાક પ્રવાસીઓ દ્વારા એક પ્રકારનું દૂષણ ફેલાયું છે. આની ગંભીર રીતે નોંધ લઈને પશ્ચિમ રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનોએ એક જ દિવસમાં એવા 87 પ્રવાસીઓને ઝપટમાં લીધા છે, જેઓ જબરદસ્તીથી લોકોને ટ્રેનમાં પ્રવેશતા રોકતા હતા.

એક અહેવાલ અનુસાર, રેલવે પોલીસે આ 87 પ્રવાસીઓ પાસેથી દંડ રૂપે રૂ. 15,900ની રકમ વસૂલ કરી છે.

રેલવે પ્રોટેક્શન ફોર્સે 25 અધિકારીઓ તથા એના સભ્યોની એક ટૂકડીની રચના કરી છે. આ જવાનો ટ્રેનમાંથી તેમજ પ્લેટફોર્મ્સ પર ઊભા રહીને ચાંપતી નજર રાખે છે કે કયા પ્રવાસીઓ લોકોને ધાકધમકી આપીને કે જબરદસ્તીપૂર્વક લોકોને ટ્રેનમાં ચડતા કે ઉતરતા અટકાવે છે.

આ જવાનોની ટૂકડીઓને પાંચ-પાંચના ગ્રુપમાં વહેંચી દેવામાં આવી છે. આ જવાનોને વિરાર, નાલાસોપારા, ભાયંદર, વસઈ અને બોરીવલી સ્ટેશનોએ તહેનાત કરવામાં આવ્યા છે.

આરપીએફની ટૂકડીઓએ એવી 37 મહિલા પ્રવાસીઓને પણ પકડી છે જેઓ લેડિઝ સ્પેશિયલ ટ્રેનોમાં વસઈ રોડ સ્ટેશને ટ્રેનોનાં દરવાજાઓને બ્લોક કરીને ઊભી રહેતી હતી. તે ઉપરાંત બોરીવલીમાં 26, વિરારમાં 13, ભાયંદરમાં 6 અને મુંબઈ સેન્ટ્રલ ખાતે પાંચ જણને અટકમાં લેવામાં આવ્યા હતા.

મોટા ભાગનાં કેસ સાંજે ધસારાના સમય દરમિયાન ચર્ચગેટથી વિરાર તરફ જતી ટ્રેનોમાં બનતા હોય છે. આ બનાવોમાં, અનેક પ્રવાસીઓ ટ્રેનના દરવાજા પર જ ઊભા રહે અને બીજા લોકોને ટ્રેનમાં પ્રવેશતા રોકે.

રેલવે પ્રોટેક્શન ફોર્સ ટીમવર્ક દ્વારા પદ્ધતિસરની કામગીરી બજાવે છે. તેઓ ટ્રેનના દરવાજા પર ઊભીને બીજા પ્રવાસીઓને ટ્રેનમાં પ્રવેશતા કે ઉતરતા રોકતા પ્રવાસીઓનો વિડિયો રેકોર્ડ કરે છે અને પછી એનું ફૂટેજ બીજા સ્ટેશન પરની ટીમને મોકલાવે જેમાં ટ્રેનનો નંબર અને ડબ્બાની સ્થિતિની જાણકારી આપી હોય. નેક્સ્ટ સ્ટેશન પરની આરપીએફ ટીમ એવા દાદાગીરી કરતા પ્રવાસીઓને ઓળખી કાઢે અને એમને ટ્રેનમાંથી નીચે ઉતારે. જો તેઓ ન ઉતરે તો આરપીએફ એમની સામે રેલવે કાયદાની કલમ 155 હેઠળ ગુનો નોંધે છે, જેમકે અનામત રખાયેલા ટ્રેનના ડબ્બામાં ચડવાનું, રીઝર્વ્ડ ન હોય એવા ડબ્બામાં બીજા લોકોને ચડતા અટકાવવાનું.

એવી ફરિયાદો મળી હતી કે મવાલી જેવા પ્રવાસીઓ વિકલાંગો માટે અનામત રખાતા ડબ્બાઓમાં કે ફર્સ્ટ ક્લાસના ડબ્બાઓમાં ચડી જાય અને દરવાજા પર જ ઊભા રહે અને બીજા કાયદેસર લોકોને ડબ્બાની અંદર પ્રવેશતા રોકે.