મુંબઈ, નવી મુંબઈ, થાણે જળબંબાકારઃ મલાડમાં દીવાલ તૂટી પડતાં 18નાં મરણ

0
1265

મુંબઈ – મુંબઈ શહેર, ઉપનગરો તેમજ પડોશના નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લાઓમાં વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે.

ગઈ આખી રાત વરસાદ ધોધમાર વરસ્યો હતો અને આજે સવારે પણ ચાલુ છે. સવારે આ લખાય છે ત્યારે 8.30 વાગ્યે વરસાદનું જોર નરમ પડ્યું હતું.

પ્રશાસને આજે મુંબઈ, નવી મુંબઈ, થાણેમાં તમામ સરકારી તેમજ ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી છે.

સરકારી કાર્યાલયોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે.

મલાડ પૂર્વમાં આજે સવારે એક કરૂણ દુર્ઘટના બની હતી. કુરાડ વિલેજ વિસ્તારમાં પીંપરીપાડા ભાગમાં એક કમ્પાઉન્ડ વોલ તૂટી પડતાં 18 જણનાં મરણ નિપજ્યાં છે. અન્ય કેટલાકને ઈજા થઈ છે. તે દીવાલ નીચેનાં ઝૂંપડાઓ પર પડી હતી. આ દીવાલ દોઢ વર્ષ પહેલાં બાંધવામાં આવી હતી.

ઈજાગ્રસ્તોને જોગેશ્વરી અને કાંદિવલીની શતાબ્દી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યાં છે.

બનાવની જાણ થતાં એનડીઆરએફની ટૂકડી ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

મહારાષ્ટ્ર સરકારે તમામ મૃતકોનાં નિકટનાં સ્વજનને રૂ. પાંચ લાખની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી છે.

મુંબઈમાં મધ્ય રેલવે અને હાર્બર રેલવે સદંતર ઠપ છે. પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેન સેવાને માઠી અસર પડી છે. નાગરિકોએ ખાસ કામ હોય તો જ બહાર નીકળવું એવી પ્રશાસને અપીલ કરી છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને મુંબઈનાં રહેવાસીઓને વિનંતી કરી છે કે એમણે ખાસ કામ ન હોય તો ઘરની બહાર નીકળવું નહીં.

મુંબઈમાં વિમાન સેવાને પણ માઠી અસર

ભારે વરસાદને કારણે મુંબઈમાં એરપોર્ટના રનવે ઉપર પાણી ભરાયા છે. મેન એરપોર્ટ બંધ કરી દેવાયો છે. હાલ વિમાન સેવા સ્થગિત કરી દેવાઈ છે. એરપોર્ટ પર સેંકડો લોકો અટવાઈ ગયાં છે.

મુંબઈ એરપોર્ટ પર ગઈ કાલે મોડી સાંજે સ્પાઈસજેટનું જયપુરથી આવેલું એક વિમાન ઓવરશૂટ થયું હતું. સદ્દભાગ્યે તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. અમુક પ્રવાસીઓને મામુલી ઈજા થઈ છે. એ વખતે વિમાનની અંદરની તસવીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ છે.

દરમિયાન, મુંબઈ એરપોર્ટ પર વિમાન સેવા સ્થગિત થતાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. સેંકડો પ્રવાસીઓ એરપોર્ટ પર અટવાઈ ગયાં છે.