મુંબઈમાં મોનોરેલનો બીજો તબક્કો પણ શરૂઃ સેવા જાહેર જનતા માટે આજથી ખુલ્લી

મુંબઈ – ભારતનો પ્રથમ અને એકમાત્ર મોનોરેલ પ્રોજેક્ટ મુંબઈમાં શરૂ કરવામાં આવ્યો છે. એના બીજા તબક્કાનો આરંભ ગઈ કાલે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરાવ્યો હતો. આ નવા તબક્કામાં ચાર-ડબ્બાવાળી ટ્રેન વડાલાથી સંત ગાડગે મહારાજ ચોક સ્ટેશન (જેકબ સર્કલ) સુધી જાય છે. આ અંતર 11.28 કિલોમીટરનું છે.

8.26 કિલોમીટરના પહેલા તબક્કામાં ચેંબૂરથી વડાલા વચ્ચે મોનોરેલ 2014માં શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનો અને રેલવે ટ્રેકનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો તથા મલેશિયાની કંપની સ્કોમી એન્જિનિયરિંગ દ્વારા કરવામાં આવ્યું છે. એનો આરંભ 2014ની સાલમાં કરવામાં આવ્યો હતો, પરંતુ એ સેવામાં અનેક વાર ટેકનિકલ ખામીઓ સર્જાતાં તે વિવાદાસ્પદ બની ગઈ હતી. આખરે એને જરૂરી સુધારા-વધારા કરીને એને અપ-ડુ-ડેટ કરી દેવાઈ છે.

આ સાથે હવે ચેંબૂરથી છેક જેકબ સર્કલ સુધી મોનોરેલ દોડતી થઈ છે. નવા તબક્કાની સેવા જાહેર જનતા માટે આજે સવારથી શરૂ કરવામાં આવી છે. સમય સવારે 6થી રાતે 10 વાગ્યા સુધીનો રહેશે. બે મોનોરેલ ટ્રેન વચ્ચેની ફ્રીક્વન્સી 22 મિનિટની છે. નવા રૂટ ઉપર પણ મોનોરેલ શરૂ કરાતાં પ્રવાસનો સમય જે 90 મિનિટ થતો તે ઘટીને હવે માત્ર 30 મિનિટનો થઈ જશે.

સમગ્ર મુુંબઈ મોનોરેલ નેટવર્કનું કુલ અંતર 19.54 કિલોમીટર છે. આ સમગ્ર રૂટ પર કુલ 17 સ્ટેશનો આવે છે.

ટિકિટના ભાડાંના દર છેઃ રૂ. 10, રૂ. 20, રૂ. 30 અને રૂ. 40. મોનોરેલ ટ્રેનો દિવસમાં કુલ 120 ફેરી કરશે.

મોનોરેલ પ્રોજેક્ટનો અમલ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) કંપનીએ કર્યો છે.

મોનોરેલનાં પ્રવાસીઓની સંખ્યા વાર્ષિક સ્તરે જે અગાઉ 4.5 લાખ હતી, તે વધીને 30 લાખ થવાની ધારણા છે.

મોનોરેલ ટ્રેનના ઉદઘાટન પ્રસંગે ફડણવીસની સાથે રેલવે પ્રધાન પીયૂષ ગોયલ પણ હાજર હતા.

ગોયલે કહ્યું કે મોનોરેલના તમામ રેલવે સ્ટેશનો સાથે સબવે, સ્કાયવોક જોડવાનો પણ સરકારે નિર્ણય લીધો છે. જેથી વધુ લોકો આ સેવાનો લાભ લઈ શકે.

MMRDAના કમિશનર આર.એ. રાજીવે કહ્યું કે, 20 કિ.મી.વાળી મુંબઈ મોનોરેલ સેવા દુનિયામાં ત્રીજા નંબરની સૌથી મોટા રૂટવાળી સેવા છે. ચીનમાં 98 કિલોમીટરની અને જાપાનમાં 28 કિલોમીટરની મોનોરેલ ટ્રેન સેવા ચાલે છે.

દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે મધ્ય રેલવેના લોકલ નેટવર્ક પર પરેલ સ્ટેશન ખાતે નવા સબર્બન ટર્મિનસનું પણ ઉદઘાટન કર્યું હતું. ત્યાંથી કલ્યાણની દિશામાં અનેક લોકલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આને કારણે દાદર સ્ટેશન પર ભીડ ઘણી ઓછી થઈ જશે.