મુંબઈવાસીઓને મળી ક્રિસમસ ગિફ્ટઃ પહેલી એસી લોકલ ટ્રેન શરુ

મુંબઈ – દેશની સૌપ્રથમ એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન આજથી નાતાલના તહેવારના દિવસથી મુંબઈગરાંઓ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. મુંબઈવાસીઓ માટે રેલવે તંત્ર તરફથી નાતાલની ગિફ્ટ ગણવામાં આવે છે. આ ટ્રેનને આજે સવારે 10.30 વાગ્યે બોરીવલી સ્ટેશનેથી લીલી ઝંડી બતાવવામાં આવી હતી અને તે ચર્ચગેટ તરફ રવાના થઈ હતી.આ પ્રસંગે મહારાષ્ટ્રના શિક્ષણપ્રધાન વિનોદ તાવડે, સંસદસભ્યો કિરીટ સોમૈયા અને ગોપાલ શેટ્ટી, ભાજપના મુંબઈ પ્રદેશ પ્રમુખ આશિષ શેલાર તથા સ્થાનિક વિધાનસભ્યો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

વેસ્ટર્ન રેલવેના પ્રવકતા રવિન્દર ભાકરે જણાવ્યું હતું કે અગાઉ 24 ડિસેમ્બરના રવિવારે સિનિયર અધિકારીઓની હાજરીમાં એસી લોકલ ટ્રેનનું આખરી ટેકનિકલ ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું અને તે સફળ રહ્યું હતું.

12-ડબ્બાની આ ટ્રેને તેની પ્રથમ સફર આજે બોરીવલી સ્ટેશનથી ચર્ચગેટ સુધી કરી હતી.

આજે આ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ એસી લોકલ ટ્રેન 29 ડિસેમ્બર સુધી ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે દોડશે. બાદમાં એને વિરાર સુધી લંબાવવામાં આવશે. આ ટ્રેન પ્રત્યેક દિવસ છ ટ્રિપ કરશે.

ચર્ચગેટ સ્ટેશને પહોંચ્યા બાદ પાંચ મિનિટ રોકાયા બાદ તે બોરીવલી તરફ જવા રવાના થશે.

ચર્ચગેટ અને બોરીવલી વચ્ચે ત્રણ-ત્રણ, એમ કુલ છ સફર કરશે.

આ ટ્રેન ચર્ચગેટથી ફાસ્ટ ટ્રેક પર ઉપડ્યા બાદ મુંબઈ સેન્ટ્રલ, દાદર, બાન્દ્રા, અંધેરી ખાતે ઊભી રહેશે.

1 જાન્યુઆરીથી આ ટ્રેનની ટ્રિપ વધારીને દિવસની 12 કરવામાં આવશે.

જે લોકો પાસે લોકલ ટ્રેનોની ફર્સ્ટ ક્લાસની ટિકિટ કે સીઝન પાસ હશે એમને આ એસી લોકલ ટ્રેનમાં ચડવા દેવામાં નહીં આવે, પરંતુ જેમની પાસે એસી ટ્રેનની ટિકિટ કે પાસ હશે તેઓ રેગ્યૂલર ફર્સ્ટ ક્લાસમાં ટ્રાવેલ કરી શકશે.

આ ટ્રેન માટે ચર્ચગેટથી બોરીવલીનું ભાડું 165 રૂપિયા છે, જે રેગ્યૂલર ફર્સ્ટ ક્લાસની દૈનિક ટિકિટ ભાડા કરતાં 15 રૂપિયા વધારે છે.

ટૂંકા અંતરના પ્રવાસ માટે એસી લોકલ ટ્રેનનું ભાડું મોંઘું પડશે.

દાખલા તરીકે, ચર્ચગેટથી દાદર/બાન્દ્રા માટેનું ભાડું 85 રૂપિયા રહેશે, જે રેગ્યૂલર ફર્સ્ટ ક્લાસ કરતાં 30 રૂપિયા વધારે છે. ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રનું ભાડું 60 રૂપિયા છે, ચર્ચગેટથી દાદર-બાન્દ્રા 85 રૂપિયા, ચર્ચગેટથી અંધેરી 135 રૂપિયા, ચર્ચગેટથી બોરીવલી 165 રૂપિયા, ચર્ચગેટથી ભાયંદર 205 રૂપિયા, ચર્ચગેટથી વસઈ 210 રૂપિયા અને ચર્ચગેટથી વિરાર 220 રૂપિયા છે.

સંપૂર્ણ ભારતીય બનાવટની આ એસી લોકલ ટ્રેન માટે સાપ્તાહિક, પખવાડિક અને માસિક પાસની સુવિધા છે.

ચર્ચગેટ-બોરીવલીનો સાપ્તાહિક પાસ રૂ. 855નો રહેશે, જે આ જ રૂટ પર રેગ્યૂલર ફર્સ્ટ ક્લાસ પ્રવાસ માટે રૂ. 755 હોય છે.

પખવાડિક પાસ રૂ. 1245નો રહેશે અને માસિક પાસ રૂ. 1640નો રહેશે.

ચર્ચગેટ-અંધેરી માટે એસી પાસ અનુક્રમે રૂ. 655, રૂ. 945 અને રૂ. 1240 રહેશે. જ્યારે ચર્ચગેટ-દાદર/બાન્દ્રા પાસ અનુક્રમે રૂ. 445, રૂ. 630 અને રૂ. 820 રહેશે.

એસી લોકલ ટ્રેનમાં ચર્ચગેટ છેડેથી પહેલો અને 12મો ડબ્બો મહિલાઓ માટે અલાયદો રાખવામાં આવશે. ટ્રેનના બીજા અને 11મા ડબ્બામાં 7 સીટ વરિષ્ઠ નાગરિકો માટે અલાયદી રાખવામાં આવી છે તેમજ ચોથા તથા સાતમા નંબરના ડબ્બામાં 10 સીટ દિવ્યાંગો માટે અલાયદી રાખવામાં આવી છે.

પ્રવાસીઓની સુરક્ષા માટે દરેક ડબ્બામાં સીસીટીવી, અગ્નિશમન યંત્ર મૂકવામાં આવશે.