મુંબઈ નજીકના એલિફન્ટા ટાપુના ગામોમાં સત્તાવાર રીતે વીજળીનું આગમન

મુંબઈ – અહીંથી માત્ર 8 કિલોમીટર દૂર આવેલા એલિફન્ટા ટાપુ પરના ત્રણ ગામોમાં દેશ આઝાદ થયો એના 70 વર્ષ પછી, ગઈ કાલે ગુરુવારે પહેલી વાર વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. એને કારણે ત્રણ ગામ – રાજ બંદર, મોરા બંદર અને શેત બંદરના રહેવાસીઓમાં ખૂબ આનંદ ફેલાઈ ગયો છે.

એમના ઘર, દુકાનો, રેસ્ટોરન્ટ્સ, સ્ટોલ્સ, કચેરીઓમાં પહેલી જ વાર વીજળીનો પ્રકાશ સત્તાવાર રીતે ફેલાવવાનું શરૂ થયું છે. આ સાથે જ રોજ સાંજે અંધારું થાય એ પછી મીણબત્તી કે દીવડા કે ફાનસના પ્રકાશમાં કામ કરવાની રોજેરોજની કડાકૂટમાંથી ગામવાસીઓનો છૂટકારો થયો છે.

7.5 કિલોમીટર લાંબો અન્ડરસી કેબલ નખાયા બાદ એલિફન્ટા ટાપુ પર વીજળી પહોંચાડી શકાઈ છે.

એલિફન્ટા ખાતે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં યોજાયેલા ખાસ સમારંભમાં ટાપુ પર વીજ સપ્લાય યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો.

એલિફન્ટા ટાપુ ત્યાંની પ્રાચીન એલિફન્ટા ગુફાઓને કારણે પર્યટકોમાં ખૂબ જાણીતો છે. એલિફન્ટા ટાપુને ‘યૂનેસ્કો’ સંસ્થા દ્વારા હેરિટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી ટાપુ પર ડિઝલ જનરેટર દ્વારા વીજળી સપ્લાય કરવામાં આવતી હતી. પરંતુ, MMRDA સંસ્થાની મદદને કારણે 95 સ્ક્વેર મીટરમાં અને 7.5 કિલોમીટર લાંબો 22 કિલોવોટ ઈલેક્ટ્રિક કેબલ દરિયાની અંદરથી નાખવામાં આવ્યો છે.