મુંબઈઃ ઉર્મિલા માતોંડકર સામે ભાજપ કાર્યકર્તાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

મુંબઈ – લોકસભા ચૂંટણીમાં મુંબઈ-ઉત્તર બેઠક માટે કોંગ્રેસનાં ઉમેદવાર ઉર્મિલા માતોંડકર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

આ ફરિયાદ શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સુરેશ નખવાએ નોંધાવી છે.

ફરિયાદી સુરેશ નખવાનો દાવો છે કે બોલીવૂડ અભિનેત્રી ઉર્મિલાએ એક ટીવી ઈન્ટરવ્યૂમાં હિન્દુ-વિરોધી કમેન્ટ કરી હતી.

ફરિયાદએ એવી પણ માગણી કરી છે કે બદનામીભરી કમેન્ટ કરવાની માતોંડકરને કથિતપણે સૂચના આપવા બદલ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સામે તેમજ પોતાની ન્યૂઝ ચેનલ પર માતોંડકરને એવી કમેન્ટ કરવા દઈ એનું પ્રસારણ કરનાર પત્રકાર રાજદીપ સરદેસાઈ સામે પણ પગલું ભરવું જોઈએ.

બોગસ, પૂર્વગ્રહ પ્રેરિત ફરિયાદઃ ઉર્મિલાનો જવાબ

દરમિયાન, ઉર્મિલા માતોંડકરે એક નિવેદનમાં જણાવ્યું છે કે એમની વિરુદ્ધમાં બોગસ, પાયાવિહોણી અને પૂર્વગ્રહ રાખીને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં મારી વિરુદ્ધ સાવ ખોટા આરોપ મૂકવામાં આવ્યા છે. ભાજપની વિચારસરણીનો વિરોધ કરવા બદલ આ ફરિયાદ કરવામાં આવી છે.

ઉર્મિલા પર એવો આરોપ છે કે એમણે એવું કહ્યું હોવાનું મનાય છે કે હિન્દુ ધર્મ સૌથી વધારે હિંસાચાર કરતો ધર્મ છે.

ઉર્મિલાએ એમ પણ કહ્યું છે કે હિન્દુ ધર્મના નામે હિંસા, જાતીભેદના દૂષણોનો ફેલાવો કરતી ભાજપની બોગસ વિચારસરણીનો મેં તે ઈન્ટરવ્યૂમાં વિરોધ કર્યો હતો. હિન્દુ ધર્મ ખૂબ મહાન છે. હિન્દુ ધર્મએ વસુધૈવ કુટુંબકમ અને અહિંસા પરમોધર્મ જેવા સંદેશ જગતને આપ્યા છે. હિન્દુ ધર્મના આ ઉપદેશ પર મને શ્રદ્ધા છે. લોકમાન્ય તિલક, સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ હિન્દુ ધર્મનો જગતભરમાં પ્રચાર કર્યો હતો. હિન્દુ ધર્મનો હું આદર કરું છું, પણ ભાજપ આનાથી ઊલટી રીતે હિન્દુ ધર્મનો ફેલાવો કરે છે. ભાજપની આવી વિચારસરણી વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ કે સત્ય ઉચ્ચારવાને ગુનો ગણવામાં આવે છે. ભાજપના આવા આક્રમક અને હિંસક મનોવૃત્તિનો હું વિરોધ કરું છું. સત્યમેવ જયતે, એમ ઉર્મિલાએ વધુમાં કહ્યું છે.