મુંબઈના કોસ્ટલ રોડ પ્રોજેક્ટના બાંધકામનો આવતા વર્ષના એપ્રિલમાં આરંભ

મુંબઈ – મહાનગરનો કોસ્ટલ રોડ પ્રોજેક્ટ મહત્વાકાંક્ષી છે. આ યોજના અંતર્ગત દક્ષિણ મુંબઈ વિસ્તારને પશ્ચિમના ઉપનગરો સાથે જોડવામાં આવનાર છે. આ પ્રોજેક્ટ શરૂ થવાનું વર્ષોથી વિચારણા હેઠળ છે, પણ આખરે તેનું બાંધકામ આવતા વર્ષના એપ્રિલથી શરૂ થવાનું છે અને ચાર વર્ષ બાદ રોડ ઉપયોગમાં પણ આવતો થઈ જશે.

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓએ આપેલી જાણકારી મુજબ, મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અજય મહેતાએ અધિકારીઓને સૂચના આપી છે કે આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં કોન્ટ્રાક્ટર્સની પસંદગી કરી લેવી.

આ પ્રોજેક્ટ 2018ના જાન્યુઆરીમાં શરૂ થવાનું નિર્ધારિત હતું.

આ રોડ 29.2 કિલોમીટર લાંબો હશે. તે દક્ષિણ મુંબઈના મરીન લાઈન્સના પ્રિન્સેસ સ્ટ્રીટ વિસ્તારથી કાંદિવલી સુધીનો હશે. આ કોસ્ટલ રોડ તૈયાર થઈ ગયા બાદ મુંબઈના પશ્ચિમી કોરિડોરનો વિકાસ ગતિ પકડશે અને સ્વામી વિવેકાનંદ (એસ.વી.) રોડ અને લિન્ક રોડ પર ટ્રાફિકના થતા ભરાવાની સમસ્યાને ઘણું ખરું ઘટાડી દેશે.

મુંબઈમાં દર વર્ષે રજિસ્ટર થતાં વાહનોની સંખ્યા 4-5 ટકા વધી રહી છે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટની વિગત…

  • આ રોડ 29.2 કિલોમીટર લાંબો હશે. એમાં 8 લેન હશે. એમાંની બે લેન માત્ર સીટી બસ માટેની હશે.
  • આ રોડ પ્રોજેક્ટનો કુલ અંદાજીત ખર્ચ રૂ. 15 હજાર કરોડનો છે.
  • આ પ્રોજેક્ટ અંતર્ગત ગિરગામ ચોપાટી અને પ્રિયદર્શિની પાર્ક વચ્ચે અને મલબાર હિલ ડુંગરમાંથી એક બોગદું પણ બાંધવામાં આવશે. પ્રિયદર્શિની પાર્કથી રોડ દરિયા કિનારાને સમાંતર રહેશે અને વરલી-બાન્દ્રા સી-લિન્ક સાથે જોડાશે.
  • હાજી અલી દરગાહ નજીક એક અન્ડરપાસ પણ બાંધવામાં આવશે. તારદેવ વિસ્તાર તરફથી આવતા ટ્રાફિકને બાન્દ્રા-વરલી સી-લિન્ક પર વાળવામાં આવશે.
  • પ્રોજેક્ટનો પહેલો તબક્કો દક્ષિણ મુંબઈમાં હશે જેમાં પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવર અને બાન્દ્રા-વરલી સી લિન્ક વચ્ચે એક લિન્ક બાંધવામાં આવશે.
  • પ્રોજેક્ટના અંતિમ અને ઉત્તર તરફના તબક્કામાં બાન્દ્રા-વર્લી સી-લિન્કને કાંદિવલી તરફના માર્ગ સાથે જોડવામાં આવશે. એનું બાંધકામ પહેલો તબક્કો સમાપ્ત થયા બાદ શરૂ કરાશે.
  • આ પ્રોજેક્ટ માટે 186 હેક્ટર જમીન પુનઃસંપાદિત કરવાની જરૂર પડશે. એમાંની 91 હેક્ટર જમીન પર હરિયાળી નિર્માણ કરવાની રહેશે. યોજના અંતર્ગત અનેક એલિવેટેડ રોડ અને ફ્લાયઓવર્સ બાંધવામાં આવશે.