જેટ એરવેઝની ફ્લાઈટના અપહરણની ધમકી આપનાર મુંબઈના ઉદ્યોગપતિને આજીવન કેદની સજા

મુંબઈ – જેટ એરવેઝના વિમાનનું અપહરણ  કરવાની ધમકી આપતી ચિઠ્ઠી લખવાના ગુના સંદર્ભે અમદાવાદની સ્પેશ્યલ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી કોર્ટે મુંબઈના એક ઉદ્યોગપતિ જ્વેલરને આજીવન કારાવાસની સજા ફરમાવી હતી અને પાંચ કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

મુંબઈના આ કરોડપતિ જ્વેલરનું નામ બિરજુ સલ્લા છે. એણે 30 ઓક્ટોબર, 2017ના દિવસે મુંબઈ-દિલ્હીની જેટ એરવેઝની ફ્લાઈટ 9W339ના બિઝનેસ ક્લાસના ટોઈલેટના ટિશ્યૂ બોક્સમાં ઈરાદાપૂર્વક એક ચિઠ્ઠી લખીને મૂકી હતી. જે અંગ્રેજી તેમજ ઉર્દૂમાં લખી હતી અને એમાં વિમાનનું અપહરણ કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કશ્મીર (PoK) તરફ વાળવાનું લખાણ હતું અને છેલ્લે ‘અલ્લાહ ઈઝ ગ્રેટ’ લખ્યું હતું.

સંભવિત ખતરાની જાણ થતાં જ વિમાનનું તાકીદે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરાવવામાં આવ્યું હતું અને સલ્લાની ધરપકડ કરી લેવામાં આવી, જ્યાં એણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. એણે તપાસનીશ અધિકારીને જણાવ્યું હતું કે એની એવી ધારણા હતી કે તેના આ કૃત્યથી જેટ એરવેઝ તેની દિલ્હી વિમાનસેવા પણ તાત્કાલિક સ્થગિત કરી દેશે. જેથી એરલાઈન્સની દિલ્હી ઓફિસમાં કામ કરતી એની ગર્લફ્રેન્ડ મુંબઈ પાછી ફરશે.

આ સાથે જ અપહરણને લગતા કડકમાં કડક કાયદા ઍન્ટી-હાઈજેકિંગ ઍક્ટ-2016 હેઠળ સલ્લાનું નામ ‘નેશનલ નો ફ્લાઈ લિસ્ટમાં’ સહુ પ્રથમ આવી ગયું હતું. એનઆઈએ એજન્સીએ જાન્યુઆરીમાં જ આ આરોપીની વિરુદ્ધ ઍન્ટી-હાઈજેકિંગ ઍક્ટ-2016 કાયદાની 3(1), 3(2)(a) અને 4(b) કલમ લાગૂ કરી દીધી હતી. 1982ના જૂના કાયદાને બદલે હવે ઍન્ટી-હાઈજેકિંગ ઍક્ટ-2016ને અમલમાં મૂકવામાં આવ્યો છે.

એનઆઈએના જજ કે.એમ. દવેએ જણાવ્યું કે,‘દંડની રકમ આરોપી બિરજુ સલ્લાએ જમા કરાવી દીધી છે. જે અપહૃત પ્લેનના ક્રૂ મેમ્બર્સ તેમજ પ્રવાસીઓમાં વહેંચી દેવામાં આવશે.’