મુંબઈમાં CSMT બ્રિજ દુર્ઘટના કેસઃ ઓડિટરના વકીલે કોર્ટમાં કહ્યું, ‘એક્ટ ઓફ ગોડ હોઈ શકે’

0
740

મુંબઈ – ગયા અઠવાડિયે દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની બહાર તૂટી પડેલા ફૂટ-ઓવરબ્રિજની દુર્ઘટના કદાચ ‘એક્ટ ઓફ ગોડ’ (પ્રભુની લીલા) હોઈ શકે છે એવું બ્રિજના ઓડિટર નીરજ દેસાઈના વકીલે કોર્ટમાં કહ્યું છે.

આમ કહીને વકીલે નીરજ દેસાઈને જામીન આપવાની કોર્ટને વિનંતી કરી હતી.

નીરજ દેસાઈ મેસર્સ ડીડી દેસાઈની કંપની એસોસિએટેડ એન્જિનિયરીંગ કન્સલ્ટન્ટ્સ એન્ડ એનાલિસ્ટ્સ પ્રા.લિ.ના ડાયરેક્ટરોમાંના એક છે. બેદરકારીના આરોપસર નીરજ દેસાઈની ગયા સોમવારે પોલીસે ધરપકડ કરી હતી અને એમને ગઈ કાલે કોર્ટમાં હાજર કર્યા હતા.

દેસાઈની કંપનીએ જ બ્રિજનું સ્ટ્રક્ચરલ ઓડિટિંગ કર્યું હતું અને જાહેર કર્યું હતું કે બ્રિજ સારી સ્થિતિમાં છે, પ્રોસિક્યૂટર રાજેન્દ્ર સૂર્યવંશીએ કોર્ટને કહ્યું હતું.

દેસાઈના વકીલે એવી દલીલ કરી હતી કે એમણે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ને સુપરત કરેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે બ્રિજનું સમારકામ કરવાની જરૂર છે.

પોતાની જામીન અરજીમાં દેસાઈએ કહ્યું છે કે કંપનીના ડાયરેક્ટર તરીકે એમણે 2016ની 14 માર્ચે બીએમસીને બ્રિજ ઓડિટ માટે એમની કંપનીનું ટેન્ડર મોકલ્યું હતું, ડજે 2016ની 17 સપ્ટેંબરે મંજૂર કરાયું હતું.

બ્રિજનું કામ કરવા માટે એમના નામે પાવર એટર્ની બનાવવામાં આવ્યા હતા.

બીએમસીના ચીફ એન્જિનિયરે દેસાઈની કંપનીને વર્ક ઓર્ડર આપ્યો હતો. દેસાઈએ ડીએન રોડ ખાતે સીએસએમટી સ્ટેશનને લાગીને આવેલા ફૂટ ઓવરબ્રિજનો સર્વે કર્યો હતો અને નિરીક્ષણ કર્યું હતું.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે બીએમસીના ચીફ એન્જિનિયર (બ્રિજીસ) સંજય દરાડેએ કહ્યું હતું કે દેસાઈની કંપનીએ આવશ્યક રીતે સીએસએમટી બ્રિજનું ઓડિટિંગ કર્યું હતું. બ્રિજના જે ભાગ તૂટી પડ્યો હતો એનું નિરીક્ષણ કરાયું નહોતું.

દેસાઈનાં વકીલો રોબર્ટ સીક્વેરા અને સૃષ્ટિ ઠક્કરે કહ્યું કે દેસાઈ પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા છે એટલે એમને જામીન મંજૂર કરવા જોઈએ.

કોર્ટે જોકે દેસાઈને 25 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં જ રાખવાનો આદેશ આપ્યો છે.

ગઈ 14 માર્ચે સાંજે 7.20 વાગ્યે સીએસએમટી સ્ટેશનની બહારનો બ્રિજ ધડાકા સાથે તૂટી પડ્યો હતો. એ દુર્ઘટનામાં નજીકની એક હોસ્પિટલની 3 નર્સ સહિત 6 જણ માર્યા ગયા હતા અને બીજાં 30થી વધુ ઘાયલ થયા હતા.