મુંબઈમાં ‘બેસ્ટ’ બસપ્રવાસ ભાડું ઘટશે; મિનિમમ ભાડું રૂ. 8ને બદલે પાંચ થશે

મુંબઈ – મુંબઈવાસીઓની લાઈફલાઈન ગણાતી BEST બસ સેવાના ભાડામાં ઘટાડો થવાનો છે.

પાંચ કિલોમીટર સુધીના પ્રવાસ માટે પાંચ રૂપિયાનું ભાડું થશે.

ભાડામાં ઘટાડો કરવા માટેના પ્રસ્તાવને આવતીકાલે ‘બેસ્ટ’ સમિતિની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે એવી સૂત્રો તરફથી માહિતી છે. ત્યારબાદ નવા દર ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે.

હાલ ‘બેસ્ટ’નું લઘુત્તમ ભાડું 8 રૂપિયા છે. છેલ્લા અમુક વર્ષોમાં આવક વધારવા તેમજ વધી ગયેલા ખર્ચને પહોંચી વળવા માટે ‘બેસ્ટ’ વહીવટીતંત્રએ ભાડામાં વધારો કર્યો હતો.

મુંબઈમાં અનેક ઠેકાણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, શેર ટેક્સી-રિક્ષાને કારણે ‘બેસ્ટ’ બસ સેવા સામે જોરદાર હરીફાઈ ઊભી થઈ છે. અનેક પ્રવાસીઓ બસપ્રવાસ છોડીને ટેક્સી-રિક્ષા પ્રવાસ કરતા થયા હોવાથી ‘બેસ્ટ’ને આર્થિક નુકસાન ગયું છે. ટેક્સી-રિક્ષા તરફ વળી ગયેલા પ્રવાસીઓને ફરી ‘બેસ્ટ’ બસો તરફ આકર્ષિત કરવા માટે બસભાડામાં ઘટાડો કરવાનું સંચાલક મંડળે નક્કી કર્યું છે.

નવા પ્રસ્તાવ અનુસાર, પાંચ કિલોમીટરના અંતરના પ્રવાસ માટે પાંચ રૂપિયાની ટિકિટ રખાશે. ત્યારબાદ 10 કિ.મી. સુધી 10 રૂપિયા, 15 કિ.મી. સુધી 15 રૂપિયા અને 15 કિ.મી.થી વધુના અંતર માટે 20 રૂપિયાની ટિકિટ રાખવામાં આવશે.

દૈનિક પાસમાં રૂ. 50નો કરવામાં આવશે.

‘બેસ્ટ’ની એરકન્ડિશન્ડ બસના ભાડામાં પણ ઘટાડો કરવામાં આવશે. એસી બસની ટિકિટ પાંચ કિ.મી.ના અંતર માટે 6 રૂપિયા રહેશે. 10 કિ.મી.ના પ્રવાસ માટેનું ભાડું 13 રૂપિયા, 15 કિ.મી. માટે 19 રૂપિયા અને 15 કિ.મી.થી વધુના પ્રવાસ માટે 25 રૂપિયાનું ભાડું રહેશે. જ્યારે એસી બસના દૈનિક પાસ 60 રૂપિયાનો રખાશે.

મુંબઈ મહાનગરપાલિકાના નવા કમિશનર નિમાયેલા પ્રવીણ પરદેશીએ ‘બેસ્ટ’ બસભાડામાં ઘટાડો થવાનો સંકેત આપ્યો જ હતો. મહાનગરપાલિકાએ તેની હસ્તની ‘બેસ્ટ’ કંપનીને આર્થિક સહાય કરવાના પ્રસ્તાવને મંજૂર રાખી દેતાં ‘બેસ્ટ’ ભાડામાં ઘટાડો કરવાનું વહીવટીતંત્ર માટે શક્ય બન્યું છે.