મુંબઈગરાં માટે ખુશખબરઃ એસી લોકલ ટ્રેન માટે હવે 3-6 મહિનાનો પાસ પણ મળશે

મુંબઈ – પશ્ચિમ રેલવે વિભાગમાં ઉપનગરીય ટ્રેનોના નેટવર્ક પર ચર્ચગેટ અને વિરાર વચ્ચે દોડાવવામાં આવતી એરકન્ડિશન્ડ લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે આનંદના સમાચાર છે. આ ટ્રેનમાં પ્રવાસ કરનારાઓ માટે હવે ત્રણ અને છ મહિનાનો પાસ પણ ઉપલબ્ધ થશે.

હાલ આ એસી ટ્રેન માટે એક જ મહિનાનો પાસ ઈસ્યૂ કરવામાં આવે છે. એસી ટ્રેનને પ્રવાસીઓ તરફથી મળેલા જોરદાર પ્રતિસાદને પગલે 3 અને 6 મહિનાનો પાસ પણ ઈસ્યૂ કરવો જોઈએ એવો પ્રસ્તાવ પશ્ચિમ રેલવે દ્વારા મુખ્યાલયને મોકલવામાં આવ્યો છે.

2017ની 25 ડિસેંબરથી પશ્ચિમ રેલવે વિભાગ પર બોરીવલીથી ચર્ચગેટ સુધી દેશની પ્રથમ એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2018ના જાન્યુઆરીથી આ ટ્રેનને વિરાર સુધી લંબાવવામાં આવી હતી.

વધારે ભાડું હોવાને કારણે પ્રવાસીઓ તરફથી શરૂઆતમાં સારો પ્રતિસાદ મળ્યો નહોતો, પરંતુ ઉનાળો શરૂ થતાં એસી ટ્રેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા વધવા માંડી હતી.

એસી લોકલ ટ્રેનમાં ચર્ચગેટથી વિરાર સુધી એક દિશાના પ્રવાસ માટે 205 રૂપિયાનું ટિકિટ ભાડું છે. એક મહિનાના પાસ માટેનું ભાડું 2,040 રૂપિયા છે.

એસી ટ્રેન શરૂ કરાઈ ત્યારથી 17 હજારથી વધુ પ્રવાસીઓએ એક મહિનાનો પાસ કઢાવ્યો છે તો 82 હજારથી વધુ લોકોએ ટિકિટ કઢાવી છે.

પ્રવાસીઓ તરફથી વધુ સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ હવે ત્રણ અને છ મહિનાના પાસની સુવિધા પણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. હવે આ અંગેનો નિર્ણય ચર્ચગેટ સ્થિત મુખ્યાલયે લેવાનો છે. એની મંજૂરી મળી જશે ત્યારબાદ પ્રસ્તાવ અંતિમ મંજૂરી માટે રેલવે બોર્ડ પાસે જશે.