મુંબઈઃ ગેરવર્તન બદલ 1,400 ઓટોરિક્ષા ડ્રાઈવરો સામે પોલીસે પગલાં લીધાં

મુંબઈ – શહેરના પશ્ચિમ ભાગના ઉપનગરોમાં છેલ્લા પાંચ મહિનામાં અનેક પ્રકારના ગુનાઓ બદલ પોલીસે 1,400 જેટલા ઓટોરિક્ષા ડ્રાઈવરો સામે પગલાં લીધા છે. પોલીસે આવા રિક્ષાચાલકો પાસેથી દંડ પેટે રૂ. 11 લાખની રકમ પણ વસૂલ કરી છે.

મુંબઈ રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) તરફથી જણાવ્યા મુજબ, પ્રવાસીઓની ફરિયાદોને આધારે કસુરવાર રિક્ષાચાલકો સામે પગલાં લેવામાં આવ્યા છે. તે છતાં પ્રવાસીઓનું કહેવું છે કે રિક્ષાચાલકો દ્વારા ઉદ્ધતાઈભર્યા વર્તન, રિક્ષા ચલાવવાનો ઈનકાર, ત્રણને બદલે 4-6 પ્રવાસીઓને ગેરકાયદેસર રીતે બેસાડવા જેવા ગુનાઓ હજી પણ ચાલુ જ છે.

સિનિયર ટ્રાન્સપોર્ટ અધિકારીએ કહ્યું છે કે અયોગ્ય વર્તન કરનાર ડ્રાઈવરો સામે નિયમિત રીતે પગલાં લેવામાં આવે છે અને ગણેશ ઉત્સવ દરમિયાન ખાસ ચાલુ રાખવામાં આવશે. અમે છેલ્લા પાંચ મહિનામાં નાગરિકોએ કરેલી ફરિયાદોને આધારે એવા દોષી 1,394 ઓટોરિક્ષા ડ્રાઈવરોને પકડ્યા હતા અને એમની પાસેથી રૂ. 11 લાખ 30 હજારની રકમનો દંડ પણ વસૂલ કર્યો હતો.

ટ્રાન્સપોર્ટ અધિકારીઓએ 82 ઓટોરિક્ષાની પરમીટ અને 67ના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરી દીધા છે. રસ્તાઓ પર ફરતી ગેરકાયદેસર અને આરટીઓમાં રજિસ્ટર ન કરાયેલી રિક્ષાઓનો જેસીબી મશીનો દ્વારા નાશ કરવામાં આવ્યો છે.

ઓટોરિક્ષા ડ્રાઈવરો સામે ફરિયાદ માટે આરટીઓ દ્વારા આ ટોલફ્રી હેલ્પલાઈન નંબર રિલીઝ કરવામાં આવ્યો છે – 1800-22-0110.