મોરારીબાપુએ મુંબઇના રેડલાઇટ એરિયામાં જઇ ગણિકાઓને આપ્યું કથાશ્રવણ માટે ભાવભર્યું નિમંત્રણ

મુંબઈ- “હું રામની કથા ગાઉં છું, તુલસીદાસજીનું માનસ રામચરિત કહું છું. માનસ આપણને શીખવે છે કે તિરસ્કૃત, ઉપેક્ષિત  સમાજથી જે વિખૂટા પડી ગયા છે એવા લોકો સુધી પણ જવું. હું આજે તમારી વચ્ચે તમને ખાસ એક નિમંત્રણ આપવા આવ્યો છું…”આ શબ્દો પૂ. મોરારીબાપૂના મુખેથી સરતા રહ્યા અને સામે ઉભેલી મેદની સતત ભાવુક બનતી ગઇ. સેંકડો કે લાખો લોકો બાપુને સાંભળે અને એ લોકોની આંખ ભરાઇ આવે એ ઘટના કંઇ નવી નથી.

પરંતુ આ ઘટના જે સ્થળે બની એ બાબત અગત્યની છે. ગુરુવારે સાંજે પૂ. મોરારીબાપુ મુંબઇમાં સૌથી મોટા રેડલાઇટ એરિયા એટલે કે જ્યાં રુપજીવીની-વેશ્યાઓ વસે છે ત્યાં ગયા હતા. સમાજ જેને અલગ દ્રષ્ટિકોણથી જોવે છે અને ભેદ રાખે છે એવી બહેનોને એમણે કથામાં આવવા નિમંત્રણ આપ્યું હતું.

રામની જન્મભૂમિ અયોધ્યામાં તા. 22મી ડિસેમ્બરથી મોરારીબાપુની કથા શરુ થઇ રહી છે. આ કથાને બાપુએ ‘માનસ ગણિકા’ નામ આપ્યું છે. આમ તો કથાનું આ શીર્ષક અને રામકથામાં આ વિષય એ પોતે જ એક ધાર્મિક-સામાજિક ક્રાંતિ ગણી શકાય. અને ‘માનસ હરિહર’, ‘માનસ ચામુંડા’, ‘માનસ વાલ્મિકી’ જેવી કથા દ્વારા મોરારીબાપુ સામાજિક ક્રાંતિનો આરંભ તો ક્યારનો ય કરી ચૂક્યા છે. પરંતુ આ કથા  એ ક્રાંતિયાત્રામાં એક મોટો પડાવ હશે. તુલસીદાસજી રચિત માનસ રામચરિતમાં ઉલ્લેખ છે એ અનુસાર અયોધ્યામાં વસતી વાસંતી નામની એક ગણિકાએ પોતાના જીવનના અંતિમ દિવસોમાં તુલસીદાસજીને પોતાના ઘરે આવી ‘રામચંદ્ર કૃપાળુ ભજમન ..’એ ભજન ગાવા આવવાનું નિમંત્રણ આપ્યું હતું. તુલસીદાસજી ત્યાં ગયા પણ હતા અને ભજન ગાયું હતું.

ગણિકાનું સ્થાન સમાજમાં જે હોય તે પણ તુલસીદાસજી કે ભગવાન બુધ્ધે પણ એક જીવ તરીકે એની અવગણના નથી કરી અને ઉપેક્ષિત વ્યક્તિને પણ પ્રભુભક્તિનો તો અધિકાર છે જ એ વાત-વિચારને અનુસરીને મોરારીબાપુ અયોધ્યામાં આ કથા કરી રહ્યા છે. ગુરુવાર તા. 13મી ડિસેમ્બરે સાંજે બાપુ કમાઠીપુરા ગયા હતા. બે મહિલાના નિવાસસ્થાને પણ ગયા હતા. ત્યાં રહીને દેહવ્યાપાર જેવી પ્રવૃત્તિ કરતી બહેનોને સંબોધન કરીને મોરારીબાપુએ કહ્યું કે ‘અયોધ્યામાં તા. 22મીથી કથા છે. તમારામાંથી જે કોઇ પણ ત્યાં કથા સાંભળવા આવવા માંગતું હોય એને હું નિમંત્રણ આપું છું. તમારી સારી વ્યવસ્થા ત્યાં થઇ શકશે.’ બાપુએ કહ્યું કે ‘મને બધા બાપુ કહે છે. એટલે એ નાતે તમે સૌ મારી દીકરીઓ છો. દીકરી બાપના ઘરે જાય પણ હું તમને પિતા તરીકે કથામાં નિમંત્રણ આપવા આવ્યો છું.’

સમગ્ર આયોજન અને ખાસ તો કમાઠીપુરાની મુલાકાત અંગે chitralekha.com સાથે ખાસ ટેલિફોનિક મુલાકાતમાં મોરારીબાપુએ જણાવ્યું કે “એક ગણિકાના નિમંત્રણને માન આપીને તુલસીદાસજી એના ઘરે ગયા હતા, ભગવાન બુધ્ધે પણ આવા નિમંત્રણનો સ્વીકાર કર્યો હતો. હું માનસનું ગાન કરું છું એને અનુસરીને તિરસ્કૃત વર્ગને પણ સન્માન મળે એવું કામ મારે કરવું જોઇએ એમ હું માનું છું અને એટલે આ કથા કરી રહ્યો છું. મને એમ થયું કે જેમના વિશે હું કંઇ બોલું,કથામાં ઉલ્લેખ કરું એ પહેલાં એમને મળું એમની સ્થિતિ જાણું. મેં એમને નિમંત્રણ આપ્યું છે. બાપુ, રામકથામાં આ વિષય કઇ રીતે વણી શકાશે એ પ્રશ્ર્નના જવાબમા મોરારીબાપુ કહે છે, રામાયણમાં ગણિકાનો ઉલ્લેખ છે. જેમ હું માનસ ભરત, માનસ હનુમાન કથા કહું એમ આ વિષય પણ માનસના આધારે જ કહીશ. અને, વ્યાસપીઠના માધ્યમથી તો જે કંઇ થશે એ કરીશું જ. પણ મારે ફક્ત બોલીને આવતા નથી રહેવું. કોઇ નક્કર વાત, કોઇ એવું ઠોસ કાર્ય આ બહેન-બેટીઓ એમના બાળકો માટે થાય એવી ઇચ્છા છે. પછી સમાજ,પ્રશાસન જે કોઇ એમાં જોડાવા ઇચ્છે જોડાઇ જશે.”  દુષ્યંતકુમારને યાદ કરીને બાપુએ છેલ્લે કહ્યુ, ‘સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કિ યે સુરત બદલની ચાહીએ….’

આ વિસ્તારના કોર્પોરેટર, સ્થાનિક કાર્યકરોની મદદથી આ વ્યવસ્થા ગોઠવવામાં નવલકથાકાર-લેખિકા કાજલ ઓઝા વૈદ્ય પણ સક્રિય રહ્યા હતા. મુંબઇના બાપુપ્રેમી ખેતશી ગઢવી પણ આ અવસરે સાથે હતા ઉપરાંત કેટલાક કવિ,લેખક વગેરે પણ બાપૂનીઆ ક્રાંતિયાત્રાનો હિસ્સો બન્યા હતા.અહેવાલઃ જ્વલંત છાયા, વિડીયો ક્લિપઃ ખેતશી ગઢવી, તસવીર સૌજન્ય: વિરલ જોશી -જન્મભૂમિ