મનસે પાર્ટીના કાર્યકર્તાઓએ થાણેમાં બુલેટ ટ્રેનનું કામ અટકાવ્યું

0
1410

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના કાર્યકર્તાઓએ આજે પડોશના થાણે જિલ્લાના દિવા ગામ ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સર્વેના કામકાજ માટે ગયેલા સરકારી અધિકારીઓ વિરુદ્ધ નારા લગાવ્યા હતા.

એમણે દેખાવો કરીને સરકારી અધિકારીઓને કામ કરતા અટકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કિસાનોએ પોતાની જમીન વેચવી નહીં એવી મનસે પાર્ટીના વડા રાજ ઠાકરેએ કિસાનોને અપીલ કરી હતી અને ત્યારથી મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેનનો મામલો ગૂંચવાયો છે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિર્ધારિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરની બુલેટ ટ્રેન યોજના માટે આશરે રૂ. 1,08,000 કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. આ ખર્ચના 81 ટકા ભાગ માટે જાપાન સરકાર ધિરાણના રૂપમાં મદદ કરી રહી છે.

આ યોજના 2022-23 સુધીમાં પૂરી કરવાનું લક્ષ્ય નક્કી કરાયું છે.

મનસે પાર્ટીના થાણે જિલ્લા એકમના વડા અવિનાશ જાધવ એમના સાથી કાર્યકર્તાઓની સાથે પ્રોજેક્ટ સ્થળે પહોંચ્યા હતા અને લેન્ડ સર્વે વિરુદ્ધ એમની પાર્ટીનો વિરોધ દર્શાવતા નારા લગાવ્યા હતા અને ત્યારબાદ અમુખ અધિકારીઓને ધક્કા માર્યા હતા. એને કારણે સ્થળે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને પ્રોજેક્ટનું કામ ખોરવાઈ ગયું હતું.

પોલીસને આ મામલે દરમિયાનગીરી કરવી પડી હતી. જોકે સર્વે અધિકારીઓ એમનું કામકાજ અટકાવીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.

અવિનાશ જાધવે પત્રકારોને કહ્યું હતું કે જ્યારે સ્થાનિક લોકો આ યોજના થાય એવું ઈચ્છતા નથી તો સરકાર શા માટે એમાં આગળ વધી રહી છે? અમારી પાર્ટીના વડાએ બુલેટ ટ્રેન યોજના સામે ક્યારનો વિરોધ વ્યક્ત કરી દીધો છે. આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના લોકો માટે નહીં, પણ ગુજરાતના લોકો માટેનો છે એની અમને ખબર છે. જો સરકાર આ પ્રોજેક્ટ પર સર્વેનું કામકાજ ચાલુ રાખશે તો અમે અમારું આંદોલન ઉગ્ર બનાવીશું.

બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેની સફરમાં 12 સ્ટેશને ઊભી રહેશે – સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે, મુંબઈ બીકેસી (બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ). આમાંના 8 સ્ટેશન ગુજરાતમાં છે.

એરકન્ડિશન્ડ બુલેટ ટ્રેન કલાકના 320 કિલોમીટરની ઝડપે દોડશે અને મુંબઈ-અમદાવાદ વચ્ચેનું 534 કિ.મી.નું અંતર માત્ર બે જ કલાકમાં પૂરું કરશે.