રાજ ઠાકરેના પુત્ર અમિતનાં લગ્નમાં સમગ્ર ઠાકરે પરિવાર, મહાનુભાવોની ઉપસ્થિતિ

મુંબઈ – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અમિત અને મિતાલી બોરુડેનાં લગ્ન આજે અહીં સંપન્ન થયા. લગ્ન લોઅર પરેલ ઉપનગરની સેન્ટ રેજિસ ફાઈવ સ્ટાર હોટેલ ખાતે યોજવામાં આવ્યા હતા.

આ લગ્નસમારંભમાં સ્વ. બાળાસાહેબ ઠાકરે તથા સ્વ. મીનાતાઈ ઠાકરેનાં સમગ્ર પરિવારનાં સભ્યો હાજર રહ્યાં હતાં.

રાજનાં પિતરાઈ ભાઈઓ – ઉદ્ધવ ઠાકરે (શિવસેના પ્રમુખ) અને જયદેવ ઠાકરે પરિવારસહ લગ્નમાં હાજર રહ્યા હતા.

મિતાલી બોરુડે અમિત ઠાકરેનાં લાંબા સમયનાં મિત્ર છે અને ડો. સંજય બોરુડેનાં પુત્રી છે.

લગ્ન સમારંભમાં રાજકારણ, ઉદ્યોગ, ખેલકૂદ, સાહિત્ય, કળા જેવા વિવિધ ક્ષેત્રોની આમંત્રિત વ્યક્તિઓ હાજર રહી હતી.

લગ્ન આજે બપોરે લગભગ એક વાગ્યે યોજાયા હતા.

લગ્નપ્રસંગમાં ઉદ્ઘવ ઠાકરે, એમના પત્ની રશ્મી ઠાકરે, પુત્ર આદિત્ય ઠાકરે, માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર અને એમના પત્ની અંજલિ, મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવાર, ઉદ્યોગપતિ રતન ટાટા, કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુશીલકુમાર શિંદે, રાષ્ટ્રવાદી કોંગ્રેસના અજિત પવાર, પ્રસિદ્ધ પાર્શ્વગાયિકા આશા ભોસલે, બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન, અભિનેતા રિતેશ દેશમુખ, ફિલ્મ દિગ્દર્શક સાજીદ ખાન, ભાજપના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલાર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમિત ઠાકરે અને મિતાલી ગયા વર્ષનાં ડિસેંબરમાં સગાઈનાં બંધનથી બંધાયાં હતાં.

મિતાલી બોરુડે ફેશન ડિઝાઈનર છે. એમણે ફેડ ઈન્ટરનેશનલ સંસ્થામાંથી ફેશન ડિઝાઈનિંગનું શિક્ષણ મેળવ્યું છે.

આજના લગ્નપ્રસંગ માટે દાદર સ્થિત રાજ ઠાકરેના નિવાસસ્થાન ‘કૃષ્ણકુંજ’ને ગઈ કાલે રાતથી જ રંગબેરંગી લાઈટિંગ તેમજ આજે સવારે ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.