ગુડી પડવા નિમિત્તે દહિસર-મુંબઈમાં અનોખો ‘મિસળ મહોત્સવ’…

મુંબઈ – હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ ધરાવતા અને મહારાષ્ટ્રીયન લોકોનાં નૂતન વર્ષ – ગુડી પડવા તહેવાર નિમિત્તે મુંબઈના દહિસર (પૂર્વ) ઉપનગરમાં ટેસ્ટી વાનગીઓનાં શોખીનો માટે અનોખા એવા ‘મિસળ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.

દહિસર વિદ્યામંદિર નજીક ભોઈર પાર્ટી લોન ખાતે શ્રીમંત માઉલી પ્રતિષ્ઠાન (મુંબઈ)ના વિનીત સબનીસ તેમજ શિવસેના નગરસેવિકા શીતલ મુકેશ મ્હાત્રે દ્વારા આયોજિત અને ‘જાઈ કાજલ’ દ્વારા પ્રાયોજિત ત્રણ-દિવસીય (16-18 માર્ચ) ‘મિસળ મહોત્સવ’ની રોજ મિસળ-શોખીનો મોટી સંખ્યામાં મુલાકાત લે છે અને મોઢામાં પાણી લાવી દેતી, તીખી તમતમતી અને સ્વાદિષ્ટ વાનગી, મિસળ-પાંઉનો ભરપેટ આનંદ માણે છે. આ મહોત્સવ માટે સમય રખાયો છે સવારે 9 થી રાતે 10 વાગ્યા સુધીનો.

ચટપટા સ્વાદવાળી મિસળ-પાવ મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. એ ઘર-ઘર તો ખવાય જ છે, પણ નાની-મોટી રેસ્ટોરન્ટ્સમાં પણ ઉપલબ્ધ હોય છે.

મિસળ એ કોઈ ફિક્સ પ્રકારની રેસિપી નથી. દરેક શહેરના લોકો પોતપોતાના મનગમતા સ્વાદ પ્રમાણે એમાં સામગ્રીઓનો ઉમેરો કરે છે. મિસળ એટલે બાફીને રાખેલા ફણગાવેલાં વટાણા, મગ, મઠ કે ચણા, ટમેટાં-ગરમ મસાલાની ગ્રેવી, ઉપરથી ફરસાણ (પાપડી-તીખા-ભાવનગરી ગાંઠિયા), કાંદા અને કોથમીર મિશ્રિત વાનગી… જે પાંઉની સાથે લહેજતથી ખવાય છે.

દહિસરમાં આ પહેલી જ વાર ‘મિસળ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં મહારાષ્ટ્રના અનેક જાણીતા મિસળ સમ્રાટોએ ભાગ લીધો છે અને સ્વાદરસિયાઓને મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં લોકપ્રિય, 14-પ્રકારના મિસળની વેરાયટીઓ આરોગવા મળે છે. પૂણે, કોલ્હાપુર, બારામતી, રત્નાગીરી, સાતારા, સિંધુદુર્ગ સહિત મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાં તેમજ મુંબઈ મહાનગર તથા પડોશના થાણે શહેરમાં ખવાતા મિસળનો સ્વાદ દહિસર સ્થિત ‘મિસળ મહોત્સવ’માં કરવા મળી રહ્યો છે.

(તસવીરોઃ દીપક ધુરી)