મુંબઈ કોંગ્રેસમાં આંતરિક ઝઘડાઃ મિલિંદ દેવરા લોકસભાની ચૂંટણી નહીં લડે

મુંબઈ – લોકસભાની ચૂંટણી આડે હવે આંગળીનાં વેઢે ગણાય એટલા જ મહિના બાકી રહી ગયા છે ત્યારે મુંબઈ કોંગ્રેસમાં ઉચ્ચ સ્તરે ઝઘડા બહાર આવ્યાં છે.

(ડાબે) સંજય નિરુપમ (જમણે) મિલિંદ દેવરા

મુંબઈ પ્રદેશ પ્રમુખ સંજય નિરુપમ સાથે તીવ્ર મતભેદો ઊભા થતાં દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મિલિંદ દેવરાએ આ વખતે મુંબઈમાં લોકસભા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

એક ન્યૂઝ વેબસાઈટને આપેલી મુલાકાતમાં દેવરાએ કહ્યું છે કે પક્ષની અંદર ઝઘડા ચાલી રહ્યા હોવાથી પોતે નારાજ છે અને આ વખતની લોકસભા ચૂંટણી કદાચ નહીં લડે. દેવરા 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા.

દક્ષિણ મુંબઈ એ લોકસભાનો હાઈપ્રોફાઈલ સંસદીય મતવિસ્તાર ગણાય છે. મિલિંદ દેવરા કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય સ્વ. મુરલી દેવરાના પુત્ર છે. મુરલી દેવરા 20 વર્ષ સુધી મુંબઈ કોંગ્રેસના પ્રમુખપદે રહ્યા હતા. પક્ષ માટે ભંડોળ લાવી આપવામાં મુરલી નિષ્ણાત હતા. એ ગાંધી પરિવારની નિકટના હોવાનું મનાતું હતું.

મુંબઈ કોંગ્રેસના નેતાઓ તાજેતરમાં જ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીને મળ્યા હતા અને સંજય નિરુપમને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખપદેથી હટાવવાની માગણી કરી હતી. એમની ફરિયાદ હતી કે નિરુપમ મુંબઈમાં કોઈ પણ નિર્ણય લેતી વખતે બધા સમુદાયોનો ખ્યાલ કરતાં નથી.

જોકે રાહુલે આ માગણીનો સ્વીકાર કર્યો નથી સૌને લોકસભાની ચૂંટણી ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું કહ્યું છે.

મિલિંદ દેવરા સાથે ખટરાગ ઊભો થયો હોવા વિશેના અહેવાલો અંગે કમેન્ટ કરવાની નિરુપમે ના પાડી હતી.

દેવરાએ ટ્વીટ કર્યું છે અને લખ્યું છે કે, અમે ભારતભરમાં સશક્ત અને સંગઠિત પ્રચાર કરીશું. મુંબઈમાં આંતરિક ઝઘડાને કારણે પક્ષનો પાયો નબળો પડવા દઈશું નહીં. હું મુંબઈમાં તમામ કોંગ્રેસી નેતાઓને અપીલ કરું છું કે તેઓ એક ટીમની જેમ સંગઠિત બને. આપણે આપણી પાર્ટી તથા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીનાં ઋણી છીએ.

દેવરાએ વધુમાં લખ્યું છે કે જો આપણે મુંબઈમાં ભાજપ-શિવસેનાની સરકારને હટાવવી હોય તો આપણે સંગઠિત બનીને કામ કરવું પડશે, પછી લીડર તરીકે કોઈ પણ હોય, હું હોઉં કે સંજય નિરુપમ હોય. આપણે લોકોને સમજાવવા પડશે કે મુુંબઈમાં કોંગ્રેસ એક વિકલ્પ છે.

httpss://twitter.com/milinddeora/status/1092744765198655488

httpss://twitter.com/milinddeora/status/1092744760358387712