મુંબઈના આકાશમાં એર ઈન્ડિયા અને વિસ્તારાનાં વિમાનો સહેજમાં ભટકાતાં રહી ગયા

0
1697

મુંબઈ – ગયા બુધવારે બની ગયેલી એક ઘટનામાં, એર વિસ્તારા અને એર ઈન્ડિયાના વિમાનો અહીંના આકાશમાં ભટકાતાં સહેજમાં રહી ગયા હતા.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, બંને ફ્લાઈટ સરખી ઊંચાઈ પર હતા અને વિરુદ્ધ દિશામાં ઉડતાં હતાં. અમુક સેકંડોથી જ બંને વિમાન આકાશમાં અથડાતાં રહી ગયા હતા.

અહેવાલમાં જણાવાયું છે કે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને તે ઘટનાની નોંધ લીધી છે અને એર વિસ્તારાના બે પાઈલટને સેવામાંથી હાલપૂરતાં હટાવી લીધા છે.

એર વિસ્તારાએ જોકે એવો દાવો કર્યો છે કે તેનું વિમાન એર ટ્રાફિક કન્ટ્રોલની સૂચના પ્રમાણે ઉડતું હતું અને તેના પાઈલટ્સે વિમાનને એ ઊંચાઈ સુધી નીચે ઉતાર્યું હતું જ્યાં એર ઈન્ડિયાનું વિમાન ફ્લાય કરતું હતું.

એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-631 અને વિસ્તારાની યૂકે-997 ફ્લાઈટની અથડામણ ગયા બુધવારે રાતે લગભગ 8 વાગ્યે ટળી ગઈ હતી. તેને કારણે સેંકડો પ્રવાસીઓનાં જાન બચી ગયા હતા.

ભારતના આકાશમાં બે વિમાન ખૂબ નજીકમાં આવી ગયા હોય એવી તાજેતરના વર્ષોમાં અમુક ઘટનાઓ બની હતી, પરંતુ આ કિસ્સામાં બંને વિમાન સૌથી વધારે નજીક આવી ગયા હતા. એર ઈન્ડિયાનું એરબસ વિમાન મુંબઈથી ભોપાલ જઈ રહ્યું હતું અને 27,000 ફૂટ ઊંચાઈ પર હતું.