મુંબઈઃ કારમાં આગ લાગતાં અંધેરી (ઈસ્ટ)નું મેટ્રો સ્ટેશન ખાલી કરાવાયું

મુંબઈ – અહીં અંધેરી (ઈસ્ટ) ઉપનગરમાં આજે બપોરે ચકાલા મેટ્રો સ્ટેશનની બરાબર નીચે એક કારમાં આગ લાગતાં સાવચેતીના પગલાં તરીકે મેટ્રો સ્ટેશનને ખાલી કરાવવામાં આવ્યું હતું.

સફેદ રંગની હોન્ડ સિટી કારમાં આગ લાગતાં અને એમાંથી કાળો ધૂમાડો ફેલાતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ધૂમાડો ઉપર મેટ્રો સ્ટેશનમાં પણ ફેલાયો હતો એટલે સત્તાવાળાઓએ ત્વરિત પગલું ભરીને સ્ટેશનની અંદર રહેલા સેંકડો લોકોને નીચે ઉતારી દીધા હતા.

મેટ્રો રેલવે સેવાને જોકે કોઈ અવળી અસર પડી નહોતી.

ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાનો પણ અહેવાલ નથી.

સત્તાવાળાઓએ કારમાં લાગેલી આગને તરત જ બુઝાવી દીધી હતી.

કાર કોની હતી અને કારમાં આગ કેવી રીતે લાગી એ ત્વરિત જાણી શકાયું નહોતું.