મુંબઈના ગિરગાંવ વિસ્તારમાં કોઠારી હાઉસ બિલ્ડિંગમાં ભીષણ આગ; એકનું મરણ

મુંબઈ – દક્ષિણ મુંબઈના ચર્ની રોડ ઉપનગરના ગિરગાંવ વિસ્તારમાં આવેલા કોઠારી બિલ્ડિંગમાં આજે સાંજે લાગેલી આગ રાતે 9.30 વાગ્યાની આસપાસ કાબૂમાં આવી ગઈ હતી, પરંતુ એમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.

સેન્ટ્રલ પ્લાઝા થિયેટર નજીક ગોરેગાંવકર લેનમાં આવેલા કોઠારી હાઉસ બિલ્ડિંગમાં આજે સાંજે લગભગ 6.30 વાગ્યે આગ ફાટી નીકળી હતી.

આગ ત્રણ માળવાળા મકાનના બીજા અને ત્રીજા માળ પર લાગી હતી. ઘરોની બારીઓમાંથી આગની જ્વાળાઓને બહાર આવતી જોઈ શકાતી હતી. બીજા માળ પર એક પ્લે સ્કૂલ ચલાવવામાં આવે છે, પરંતુ આજે રવિવારનો રજાનો દિવસ હતો એટલે એ બંધ હતી.

મૃત્યુ પામેલી વ્યક્તિ એક પુરુષ છે અને એની ઉંમર 32 વર્ષની હોવાનું મનાય છે. એની ઓળખ હજી થઈ શકી નથી.

આગ લાગ્યાની જાણ કરાતાં તરત જ અગ્નિશામક દળના જવાનો 8 ફાયર એન્જિન્સ અને વોટર ટેન્કરો તથા એમ્બ્યુલન્સ સાથે ત્યાં પહોંચી ગયા હતા.

આગ એટલી ભયાનક હતી કે જૂના મકાનનો બીજો અને ત્રીજો માળ સદંતર નાશ પામ્યા છે.

આગમાં ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ એક પુરુષને મૃત ઘોષિત કર્યો હતો.