મહારાષ્ટ્રમાં તમામ કેન્દ્ર સરકારી વિભાગોમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત

મુંબઈ – મહારાષ્ટ્ર સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને રાજ્યભરમાં તમામ કેન્દ્ર સરકારી વિભાગોમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીઓ હંમેશાં કહેતી હોય છે કે તમામ કેન્દ્ર સરકારી ઓફિસો, રાષ્ટ્રીયકૃત બેન્કો, રેલવે, એરપોર્ટ વગેરેમાં મરાઠીનો સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ કરાવો જોઈએ.

મુંબઈમાં દુકાનો, હોટેલ-રેસ્ટોરન્ટ્સના બોર્ડ પર મરાઠીમાં નામ લખવાના આંદોલન અને ઝુંબેશમાં રાજ ઠાકરેના નેતૃત્વવાળી મનસે પાર્ટી અને ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીએ સફળતા હાંસલ કર્યા બાદ રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં તમામ કેન્દ્ર સરકારી કચેરીઓમાં મરાઠી ભાષાના ઉપયોગને ફરજિયાત કર્યો છે.

આ નિર્ણયને લીધે કેન્દ્ર સરકારી વિભાગોમાં અંગ્રેજી અને હિન્દી ઉપરાંત મરાઠીનો ત્રીજી સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ કરવાનું ફરજિયાત રહેશે.