મરાઠા અનામત આંદોલનઃ આવતીકાલે મુંબઈ, નવી મુંબઈ, થાણેમાં બંધ

0
1807

મુંબઈ – મરાઠા સમાજ માટે સરકારી નોકરીઓમાં અને શિક્ષણ સંસ્થાઓમાં બેઠકો અનામત રાખવાની માગણી કરી રહેલા મરાઠા આંદોલનકાર સંગઠનોએ આવતીકાલે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર, રાયગડમાં બંધનું એલાન કર્યુ છે. આવતીકાલના બંધ દરમિયાન હિંસા, તોડફોડ ન કરવાની આયોજક મરાઠા ક્રાંતિ મોરચાના આગેવાનોએ કાર્યકર્તાઓને અપીલ કરી છે.

મુંબઈમાં આવતીકાલે બંધ પાળવાનો નિર્ણય મરાઠા સંગઠનોએ આજે બપોરે અહીં શિવાજી મંદિર ખાતે યોજેલી બેઠકમાં લીધો હતો. મરાઠા સમાજના અનેક સંગઠનોની પિતૃ સંસ્થા, મરાઠા ક્રાંતિ મોરચાએ બંધની જાહેરાત કરી છે.

બંધને શાંતિપૂર્ણ રાખવાની સંગઠનોએ સમાજના લોકોને અપીલ કરી છે.

મરાઠા ક્રાંતિ મોરચા દ્વારા આજે મહારાષ્ટ્ર બંધ પાળવામાં આવી રહ્યો છે, પણ મુંબઈ, પુણે, સાતારા સહિત કેટલાક શહેરો, જિલ્લાઓને એમાંથી આજે બાકાત રાખવામાં આવ્યા છે.

આવતીકાલના બંધમાંથી દૂધ, તબીબી જેવી આવશ્યક સેવાઓને બાકાત રાખવામાં આવી છે.

મરાઠા ક્રાંતિ સમાજના આગેવાનોએ આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે આવતીકાલે શાંતિપૂર્ણ બંધ પાળીશું. થાણે, નવી મુંબઈ, રાયગડમાં પણ બંધ પાળવામાં આવશે. જાહેર ટ્રાન્સપોર્ટ સેવાઓ, શાળાઓ અને કોલેજો, દૂધની ટેન્કરો, સ્કૂલ બસોને બંધમાં સામેલ કરવામાં નહીં આવે. અમે કોઈને તકલીફ પહોંચે એવું ઈચ્છતા નથી.